Army Chief Manoj Pande:  આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રવિવારે (15 જાન્યુઆરી) ગોવિંદસ્વામી પરેડ ગ્રાઉન્ડ (બેંગલુરુ) ખાતે આર્મી ડે કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમણે સેનાના જવાનોને સંબોધિત કર્યા હતા. મનોજ પાંડેએ કહ્યું, "પહેલીવાર આર્મી ડે પરેડ અને તેનાથી સંબંધિત અન્ય કાર્યક્રમો દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવી રહ્યા છે. આનાથી સેનાને લોકો સાથે જોડાવાની સુવર્ણ તક મળી છે. મને ખાતરી છે કે આનાથી અમારા સંબંધો વધુ મજબૂત થશે.


અમે દરેક પડકારનો સામનો કરવા તૈયાર: આર્મી ચીફ 


આર્મી ચીફ જનરલ એમ પાંડેએ સંબોધનમાં વધુમાં કહ્યું કે, અમે LAC પર મજબૂત સ્થિતિમાં છીએ અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ." આતંકવાદનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે એલઓસીની બીજી બાજુ આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ મોજૂદ છે. તેમણે કહ્યું કે પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદે ડ્રોનની ઘટનાઓ જોવા મળી રહી છે.  જેથી ડ્રગ્સની દાણચોરી થઈ શકે. આ માટે એન્ટી ડ્રોન સિસ્ટમ અને જામર લગાવવામાં આવ્યા છે.






'ટાર્ગેટ કિલિંગ કરી રહી છે નવી સંસ્થાઓ'


સેના પ્રમુખે કહ્યું કે નવા આતંકવાદી સંગઠનો પોતાની હાજરી બતાવવા માટે ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે. અમે અન્ય સુરક્ષા દળો સાથે મળીને આ પડકારનો સામનો કરી રહ્યા છીએ. મનોજ પાંડે વધુમાં જણાવ્યું હતું કે, “ગયા વર્ષે, સેનાએ સુરક્ષા પડકારોનો દૃઢતાથી સામનો કર્યો હતો અને સરહદોની સક્રિય અને મજબૂત રક્ષા સુનિશ્ચિત કરી હતી. સેનાએ ક્ષમતા વિકાસ, બળ પુનઃરચના અને તાલીમમાં સુધારો કરવા માટે પગલાં લીધા હતા. અમારી તૈયારીઓને વધુ મજબૂત બનાવી છે.


આર્મી ડે શા માટે ઉજવવામાં આવે છે?


જ્યારે જનરલ (બાદમાં ફિલ્ડ માર્શલ) કેએમ કરિયપ્પાએ 1949માં છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર ફ્રાન્સિસ રોય બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી ત્યારે તે પ્રસંગની યાદમાં દર વર્ષે આર્મી ડે ઉજવવામાં આવે છે. આ રીતે તેઓ આઝાદી પછી પ્રથમ ભારતીય સેનાપતિ બન્યા.






આ વખતની પરેડ શા માટે ખાસ છે?


આ વર્ષે પરેડમાં આર્મી સર્વિસ કોર્પ્સની ઘોડેસવાર ટુકડી અને પાંચ રેજિમેન્ટલ બ્રાસ બેન્ડના બનેલા લશ્કરી બેન્ડ સહિત આઠ કૂચિંગ ટુકડીઓ દર્શાવવામાં આવી હતી. આમાંની દરેક ટુકડી એક ભવ્ય ઇતિહાસ અને અનન્ય પરંપરાઓ ધરાવતી રેજિમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે. આર્મી સ્ટાફના વડાએ એમઇજી એન્ડ સેન્ટર, બેંગલુરુ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડની સમીક્ષા કરી અને બહાદુરી અને બલિદાનના વ્યક્તિગત કાર્યો માટે વીરતા પુરસ્કારો એનાયત કર્યા.