નવી દિલ્હીઃ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાના ખર્ચથી નવા સંસદ ભવનનું નિર્માણનો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો છે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી. અધિકારીએ કહ્યું કે એલએન્ડટી લિમિટેડે 865 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.



સેન્ટ્રલ વિસ્ટા પુનવિકાસ પરિયોજના હેઠળ સંસદની નવી બિલ્ડિંગ વર્તમાન ઇમારતની નજીક બનાવવામાં આવશે. આ કામ 21 મહિનામાં પૂર્ણ થવાની આશા છે. સીપીડબલ્યૂડીના કહેવા અનુસાર, સંસદની નવી ઇમારત સંસદ ભવન એસ્ટેટના પ્લોટ નંબર 118 પર બનશે.

મોદી સરકારની ઇચ્છા છે કે જ્યારે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યો હોય ત્યારે આ નવી બિલ્ડિંગ બનીને તૈયાર થઇ જાય. 2020ના જૂલાઇ મહિનામાં યોજાનાર ચોમાસુ સત્ર નવા સંસદ ભવનમાં આયોજીત કરવામાં આવે. નવા સંસદ ભવનમાં સેન્ટ્રલ હોલ નહી હોય. તમામ સાંસદો માટે અલગથી રૂમ, લાઇબ્રેરી, બેઠક રૂમ અને અન્ય તમામ ચીજોની વ્યવસ્થા હશે.