ભાજપના દિગ્ગજ નેતાએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર, ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા કરી માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Sep 2020 06:09 PM (IST)
નોંધનીય છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં મંગળવારે ખેડૂતોએ પ્રદર્શન કર્યું હતુ
મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સરકાર સમક્ષ માંગ કરી છે કે ડુંગળીના નિકાસ પર લાગેલા પ્રતિબંધને તરત જ હટાવવામાં આવે. જેને લઇને ફડણવીસે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી ખેડૂતો દુખી છે. ફડણવીસે લખ્યું કે, અમારી તમને ફરી એકવાર વિનંતી છે કે નિકાસ પર લાગેલો પ્રતિબંધ તરત જ હટાવી લેવામાં આવે. મહારાષ્ટ્રની ડુંગળીની આંતરરાષ્ટ્રીય સ્તર પર માંગ હોય છે અને તેનાથી મહારાષ્ટ્રના ખેડૂતોને યોગ્ય કિંમતો મળે છે. નિકાસ પર પ્રતિબંધ લાગવાથી ખેડૂતો દુખી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં મંગળવારે ખેડૂતોએ પ્રદર્શન કર્યું હતુ. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં લાસલગાંવ અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, ખેડૂતોએ મુંગસે, પિંપલગાંવ, નામપુર અને ઉમરાને બજારોમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન ખેડૂતોએ લગભગ 10 હજાર ક્વિંટલ ડુંગળી માટે લગાવવામાં આવેલી હરાજી રોકી દીધી હતી. સાથે તેમણે મુંબઇ-આગ્રા હાઇવે સહિત અનેક માર્ગો પર વાહનવ્યવહાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.