Tej Pratap Yadav help: લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ચાલી રહેલો આંતરિક કલેશ હવે રસ્તા પર આવી ગયો છે. તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે એક ચોંકાવનારી પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને બિહારની નીતિશ કુમાર સરકાર પાસે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે. તેજ પ્રતાપે ગંભીર આક્ષેપ કર્યો છે કે પાર્ટીમાં રહેલા કેટલાક "જયચંદો" (વિશ્વાસઘાતીઓ) તેમના બીમાર પિતા લાલુ યાદવ અને માતા રાબડી દેવીને માનસિક અને શારીરિક રીતે હેરાન કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમના માતા-પિતાને કંઈ પણ થશે, તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
"આ લડાઈ બિહારના આત્માની છે"
તેજ પ્રતાપ યાદવની પાર્ટી 'જનશક્તિ જનતા દળ' દ્વારા સોશિયલ મીડિયા પર એક વિસ્તૃત પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે આ મામલો હવે માત્ર એક પરિવાર પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે બિહારના આત્મા સાથે જોડાયેલો છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જયચંદ જેવી માનસિકતા ધરાવતા કેટલાક સ્વાર્થી તત્વો લાલુ યાદવ અને રાબડી દેવીને દબાણમાં લાવવા માટે નાપાક પ્રયાસો કરી રહ્યા છે. તેજ પ્રતાપે કહ્યું કે જો આ આક્ષેપોમાં સહેજ પણ સત્ય હશે, તો તે માત્ર તેમના પરિવાર પર જ નહીં, પરંતુ સમગ્ર RJD ના અસ્તિત્વ પર મોટો હુમલો ગણાશે.
પક્ષમાં ભ્રષ્ટાચાર અને 'જયચંદો'નું વર્ચસ્વ
તેજ પ્રતાપે પાર્ટીની વર્તમાન સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "ટિકિટ વિતરણમાં થયેલી ગેરરીતિઓ, લાંચ રુશ્વત અને ખુશામતખોરોની ટોળકીએ વર્ષોથી RJD ને વફાદાર રહેલા પાયાના કાર્યકરો અને સ્તંભોને નબળા પાડી દીધા છે. જે લોકોએ રાત-દિવસ એક કરીને પાર્ટીને ઉભી કરી હતી, આજે તેમનું કોઈ સાંભળતું નથી. લોભ અને સ્વાર્થથી ભરેલા આ 'જયચંદો' સંગઠનને ઉધઈની જેમ કોરી ખાઈ રહ્યા છે."
PM મોદી અને HM અમિત શાહને વિનંતી
આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેજ પ્રતાપે રાજકીય મતભેદો બાજુ પર મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ અને ત્વરિત તપાસ થવી જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, "મારા પિતા પહેલાથી જ ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે. તેઓ આવા માનસિક કે શારીરિક દબાણને સહન કરવાની સ્થિતિમાં નથી. જો તેમને કોઈ પણ પ્રકારનો ત્રાસ આપવામાં આવ્યો હોય, તો કસૂરવારોને છોડવા ન જોઈએ."
3 નામો જાહેર કર્યા: "FIR નોંધી જેલમાં પૂરો"
પોતાના ગુસ્સાને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતા તેજ પ્રતાપે ત્રણ વ્યક્તિઓના નામ જોગ ઉલ્લેખ કર્યા છે: સંજય યાદવ, રમીઝ નેમત ખાન અને પ્રીતમ યાદવ. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, "જો કોઈએ પણ મારી બહેન, મારી માતા કે મારા પિતા સાથે ગેરવર્તણૂક કરી હોય, ધક્કે ચડાવ્યા હોય કે માનસિક ત્રાસ આપ્યો હોય, તો આ ત્રણ વ્યક્તિઓ સામે કાલે જ FIR દાખલ થવી જોઈએ અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ."