નીતિશ કુમારે ગુરુવારે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ પ્રસંગે પીએમ મોદી સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આરજેડી નેતા તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટમાં નીતિશ કુમારને અભિનંદન આપ્યા છે. તેજસ્વી યાદવે લખ્યું, "બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ આદરણીય નીતિશ કુમારને હાર્દિક અભિનંદન."
તેજસ્વી યાદવે આગળ લખ્યું, "મંત્રી પરિષદના સભ્ય તરીકે શપથ ગ્રહણ કરનારા બિહાર સરકારના તમામ મંત્રીઓને હાર્દિક અભિનંદન. આશા છે કે નવી સરકાર પોતાના વચનો અને જાહેરાતો પૂર્ણ કરશે, લોકોની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરશે અને બિહારના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે."
આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બિહારના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા બદલ નીતિશ કુમારને અભિનંદન આપ્યા હતા. તેમને ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવતા કાર્યક્ષમ અને અનુભવી પ્રશાસક તરીકે વર્ણવ્યા.
10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર
નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. રાજ્યપાલે નીતિશ કુમારને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત અન્ય 26 મંત્રીઓએ શપથ લીધા હતા. નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા ઉપરાંત શપથ લેનારાઓમાં વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, મંગલ પાંડે, દિલીપ જયસ્વાલ, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સહની,નીતિન નવીન, રામ કૃપાલ, સંતોષ સુમન, સુનીલ કુમાર, જમા ખાન, સંજય સિંહ ટાઈગર, અરુણ શંકર, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ, લખેન્દ્ર કુમાર રોશન, શ્રેયસી સિંહ, પ્રમોદ કુમાર, સંજય કુમાર, સંજય કુમાર સિંહ, અને દીપક પ્રકાશે મંત્રી પદના શપથ લીધા હતા.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA એ કુલ 202 બેઠકો જીતી હતી. ભાજપે 89 બેઠકો જીતી હતી. નીતિશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) 85 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (R) એ 19 બેઠકો જીતી હતી. હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) એ પાંચ બેઠકો જીતી હતી, અને રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી હતી.