હૈદરાબાદ: તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરએ COVID-19 લોકડાઉનને વધારવાને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે સોમવારે કહ્યું કે 14 એપ્રિલ બાદ મોદી સરકારે દેશમાં બે સપ્તાહ માટે લોકડાઉન વધારવું જોઈએ. હાલ તો તેના પર કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. તેમણે કહ્યું ભારતમાં લોકડાઉન 3 જૂન સુધી રહેવું જોઈએ. આ પહેલા અટકળો ચાલતી હતી કે તેલંગણામાં લોકડાઉન બે જૂન સુધી વધારવામાં આવશે.




આ પહેલા તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરએ રાજ્યમાં કોરોનાવાયરસ સામે લડતા આરોગ્ય કર્મચારીઓને 10 ટકા વિશેષ પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, તેલંગણામાં અત્યાર સુધીમાં કુલ 321 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સાત લોકોના મોત થયા છે.

કોરોના વાયરસનો કહેર ભારતમાં સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 4 હજારને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં 704 નવા કેસ નોંધાયા છે જ્યારે 28 લોકોના મોત થયા છે.