મુંબઈઃ દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. હાલ દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીની સંખ્યા 4000ને પાર કરી ગઈ છે અને 109 લોકોના મોત થયા છે. જ્યારે 291 લોકો વાયરસના સંક્રમણમાંથી મુક્ત થઈ સાજા થઈ છે. ભારતમાં કોરોનાના કારણે સૌથી વધુ સંક્રમિત લોકો મહારાષ્ટ્રમાં છે, અહીં હાલ 690 લોકો આ વાયરસના સંકજામાં ફસાઈ ચુક્યા છે.
મુંબઈની જાણીતી હોસ્પિટલ વોકહાર્ટમાં એક અઠવાડિયામાં જ ત્રણ ડોકટર અને 26 નર્સ કોરોના પોઝિટિવ મળી આવતાં હાહાકાર મચી ગયો છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. હાલ ત્યાં સરકારી ટીમો સિવાય કોઈને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી.
અધિકારીના જણાવ્યા મુજબ, જ્યાં સુધી લોકોના ટેસ્ટ બે વખત નેગેટિવ ન આવે ત્યાં સુધી કોઈને અંદર પ્રવેશ આપવામાં નહીં આવે કે કોઈ અંદરથી બહાર જઈ શકશે. એડિશનલ મ્યુનિસિપલ કમિશ્નરના જણાવ્યા મુજબ, એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસરની અધ્યક્ષતામાં એક ટીમ બનાવવામાં આવશે. જે હોસ્પિટલમાં આ વાયરસ કેવી રીતે ફેલાયો તેની તપાસ કરશે.
હોસ્ટિપલ સ્ટાફમાં કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ આશરે 270 કર્મચારીઓ અને દર્દીઓના સેમ્પલ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. જે નર્સોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તેમને વિલે પાર્લે સ્થિત ક્વાર્ટર્સથી હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.