હૈદરાબાદ પોલીસે શુક્રવારે વહેલી સવારે બળાત્કાર પીડિતાને જીતવી સળગાવી દેનારા ચારેય આરોપીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. પોલીસે આ તમામને એ જ જગ્યાએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા કે જ્યાં તેમણે પીડિતા સાથે જધન્ય કૃત્ય કર્યું હતું. આ ચારેય આરોપીઓ પોલીસના હથિયારો આંચકીને નાસવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે તમામને એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
પોલીસ દ્વારા કરવામાં આવેલા આ એન્કાઉન્ટરને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. કેટલાક લોકો પીડિતાને ત્વરીત ન્યાય અપાવવાને લઈને પોલીસની આ કાર્યવાહીને આવકારી રહ્યાં છે તો કેટલાક તેને ‘ન્યાયેત્તર હિંસા’ ગણાવી રહ્યાં છે.
હવે તેલંગાણા હાઈકોર્ટે પણ આ કાર્યવાહીને લઈને આકરૂ વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તમામ આરોપીઓના મૃતદેહને સાચવી રાખવામાં આવે. આ મૃતદેહોનો પોલીસ કોઈ જ નિકાલ ના કરે. હાઈકોર્ટે કહ્યું છે કે, મૃતદેહને 9 ડિસમ્બર સાંજે 8 વાગ્યા સુધી સુરક્ષીત રાખવામાં આવે. જેથી આ મૃતદેહનો ના તો તેલંગાણા પોલીસ કે ના તો આરોપીઓના પરિજનો કોઈ જ નિકાલ કરી શકશે નહીં.