કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના માર્ગ પર ચાલી રહ્યા છે. તેમના મંત્રાલયની જાહેર ક્ષેત્રની સંસ્થા ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLના અધિકારીઓ સાથેની પ્રથમ બેઠકમાં તેમણે કહ્યું હતું કે કામ કરીને બતાવો નહીંતર સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લો. કેન્દ્રિય મંત્રીએ કર્મચારીઓને કામ કરવાનું કહ્યુ અને જો કામ ના કરવું હોય તો કંપની છોડી દેવાની વાત કરી હતી.


આ બેઠકનો એક ઓડિયો લીક થયો છે જેમાં અશ્વિની વૈષ્ણવ ખોટ કરી રહેલી આ ટેલિકોમ કંપનીના 62 હજાર અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાત કરી રહ્યા છે. વૈષ્ણવે આ અઠવાડિયે રૂ. 1.64 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે જેથી લાંબા સમયથી ખોટમાં રહેલી કંપની BSNLને મજબૂતી મળશે.  આમાં, BSNLની સાથે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડના અધિકારીઓને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે દર મહિને પ્રગતિનું ઓડિટ થશે. જ્યાંથી સાચો રિપોર્ટ નહીં આવે ત્યાં તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે. જેઓ કામ કરી શકતા નથી તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે અને ઘરે આરામથી બેસી શકે છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને રેલવેની જેમ બળજબરીપૂર્વક નિવૃત્ત કરવામાં આવશે.


સરકારે તેનું કામ કર્યું છેઃ અશ્વિની વૈષ્ણવ


વૈષ્ણવે કહ્યું કે આટલું મોટું પેકેજ આપીને સરકારે તે કર્યું જે તે કરી શકતી હતી. દુનિયામાં કોઇ પણ સરકારે આટલું મોટું જોખમ લીધું નથી જેટલું 1 લાખ 64 હજાર કરોડનું પેકેજ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે લીધું છે. સરકાર આમાં કોઈપણ પ્રકારની ઢીલ સહન કરશે નહીં. અમને બે વર્ષમાં પરિણામ જોઈએ છે.


BSNL અને BBNLના મર્જર સાથે નવા સાહસને BSNLની 6 લાખ 83 હજાર કિમી ઓપ્ટિકલ ફાઈબર કેબલ મળી રહી છે, ઉપરાંત BBNLની 5 લાખ 68 હજાર કિમી ઓપ્ટિકલ ફાઈબર કેબલ મળી રહી છે. સરકારની ડિજિટલ ઈન્ડિયા પોલિસી અંતર્ગત એક લાખ 45 હજાર ગામડાઓમાં આ ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાખવામાં આવ્યો છે. નવી સંસ્થાએ ફક્ત સેવાઓનો વિસ્તાર કરવાનો છે. સુવિધા સાથે સેવા વિસ્તરણ પણ જરૂરી છે, અન્યથા તમારી સેવામાં વિક્ષેપ બદલ અમારે માફી માંગવી પડશે.