Baghpat Tragedy: ઉત્તર પ્રદેશના બાગપતમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર માનસ્તંભ સંકુલમાં બનેલો લાકડાનો મંચ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં 50થી વધુ શ્રદ્ધાળુઓ દટાયા હોવાની આશંકા છે. દરમિયાન અકસ્માતમાં સાત લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. મૃતકોમાં હુકમચંદનો પુત્ર તૃષપાલ જૈન 74 વર્ષ, નરેશનો પુત્ર અમિત 40, સુરેન્દ્રની પત્ની ઉષા 65, કેશવરામનો પુત્ર અરુણ જૈન માસ્ટર 48 વર્ષ, સુનિલ જૈનની પુત્રી શિલ્પી જૈન 25 વર્ષ, સુરેન્દ્રનો પુત્ર વિપિન 44 વર્ષ, સુરેન્દ્રની પત્ની કમલેશનો સમાવેશ થાય છે.
બાગપતના ડીએમ અસ્મિતા લાલે કહ્યું, "બરૌતમાં જૈન સમુદાયનો એક કાર્યક્રમ હતો. અહીં એક લાકડાનું માળખું તૂટી પડ્યું હતું, જેના કારણે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. 20 લોકોને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા, 20 લોકો હજુ પણ લાપતા છે." પર અનેવ 7ના મૃત્યુ પામ્યા છે.
કેવી રીતે થયો અકસ્માત?
વાસ્તવમાં, આ દુર્ઘટના મંગળવારે સવારે બરૌત શહેરના વિસ્તારના ગાંધી રોડ પર બની હતી. માનસ્તંભ સંકુલમાં લાકડાથી બનેલો મંચ અચાનક ધરાશાયી થઈ ગયો, જે દરમિયાન ઘણા લોકો તેની નીચે દટાઈ ગયા. આટલું જ નહીં, ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી અને લોકોને બચાવવા માટે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવાઇ હતી. આ અકસ્માતમાં લગભગ 6-7 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, ઘાયલોની સંખ્યા વધી શકે છે, તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મામલાની માહિતી મળતાં જ ડીએમ અસ્મિતા લાલ અને એસપી અર્પિત વિજયવર્ગીય ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા, જ્યારે બાગપતના એસપી અર્પિત વિજયવર્ગીયએ જણાવ્યું કે, એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જૈન સમાજ દ્વારા મંદિરમાં લાડુ ચઢાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેટલાક લોકો લાકડાથી બનેલા મંચ પર ચઢી રહ્યા હતા જ્યારે તે તૂટી પડ્યું અને 25 લોકો ઘાયલ થયા, જેમાંથી કેટલાકને સામાન્ય ઈજાઓ થઈ. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાગપતમાં થયેલા અકસ્માતની નોંધ લીધી હતી. સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે.