Uttarakhand  Heavy rain News:પહાડોમાં સતત વરસાદને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારંવાર અવરોધાઈ રહ્યો છે. કર્ણપ્રયાગ નજીક ઉમટા સહિત પીપલકોટી ખાતે બદ્રીનાથ-ઋષિકેશ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. રેલ્વે સ્ટેશન નજીક નાળામાં પાણીનો પ્રવાહ વધવાને કારણે કર્ણપ્રયાગથી કામચલાઉ રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે.

ગંગાનગર રાણો નજીક પહાડી કાટમાળને કારણે ગોચરા રાણો મોટરવે બંધ થઈ ગયો છે. વરસાદને કારણે રસ્તા પર મોટા પ્રમાણમાં નાના-મોટા પથ્થરો અને કાટમાળ આવી રહ્યા છે, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. જેના કારણે મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

અઠવાડિયામાં બે વાર આ રસ્તો બંધ થયો

૩ જુલાઈના રોજ, ટેકરી પરથી ભારે કાટમાળ અને પથ્થરો પડતાં આ સ્થળે રસ્તો બંધ થઈ ગયો હતો. જેના કારણે યાત્રાળુઓ અહીં અટવાઈ ગયા હતા. વહીવટીતંત્રની સંયુક્ત ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. સતત વરસાદને કારણે, આ રસ્તો એક અઠવાડિયામાં બીજી વખત બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.                   

સોનપ્રયાગમાં યાત્રાળુઓ રોકાયા

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા પણ પ્રભાવિત થઈ છે. સોનપ્રયાગ નજીક મુનકટિયા અને ગૌરીકુંડ વચ્ચે ભૂસ્ખલનને કારણે કેદારનાથ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. સલામતીના કારણોસર, વહીવટીતંત્રે યાત્રાળુઓને સોનપ્રયાગમાં જ રોકી દીધા છે. SDRF અને NDRF ટીમો આખી રાત બચાવ કાર્યમાં રોકાઈ હતી અને 40 થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે મુસાફરોને યાત્રા મુલતવી રાખવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે.

ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, હરિદ્વાર, નૈનીતાલ, ચંપાવત અને ઉધમસિંહ નગરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને જોતા  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓ માટે ઓરેંજ  અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે ચેતવણી આપી છે કે, પાણીનો ભરાવો, ભૂસ્ખલન અને નદીઓ ભયજનક સપાટી વટાવતા   લોકોને નદીઓ અને નાળાઓના કિનારા નજીક ન જવા અને પહાડી વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.