શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના સોપોરના મોડલ ટાઉન વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે. જેમાં એક જવાનનું મોત થયું છે અને ત્રણ જવાનો ઘાયલ થયા હોવાના તથા એક નાગરિકના મોતના સમાચાર છે. તમામ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણ, બંને તરફથી ભારે ફાયરિંગ થઈ રહ્યું છે. બે થી ત્રણ આતંકીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની ખબર છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.



આ પહેલા દક્ષિણ કાશ્મીરના બિઝબેહરામાં સીઆરપીએફ  જવાનો પર હુમલો થયો હતો. જેમાં કુલગામના યારીપારોના એક માસૂમનો જીવ ગયો હતો.



જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ થયેલી અથડામણમાં બે આતંકી ઠાર થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે સવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાઘમામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા. આતંકીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

આ પહેલા સોમવારે અનંતનાગના ખુલચોહર વિસ્તારમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકી માર્યા ગયા હતા.