Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર બિન-કાશ્મીરી મજૂરોને આતંકીઓએ નિશાન બનાવ્યા હતા.  અનંતનાગમાં આતંકવાદીઓએ બે બિન કાશ્મીરી મજૂરો પર ગોળીબાર કર્યો હતો. બંને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે.






પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આતંકવાદીઓના સર્ચ ઓપરેશન માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ઘાયલ થયેલા બંને મજૂરો મહારાષ્ટ્રના રહેવાસી છે. આ વર્ષે કાશ્મીરમાં બિન-સ્થાનિક લોકો અને લઘુમતીઓ પર આ ચોથો હુમલો છે.


13 જૂલાઈના રોજ પણ હુમલો થયો હતો


આ પહેલા 13 જુલાઈએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ગગરાન ગામમાં આતંકવાદીઓએ ત્રણ પરપ્રાંતિય મજૂરોને ગોળી મારીને ઘાયલ કર્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે ઘાયલ લોકોમાં અનમોલ કુમાર, પિન્ટુ કુમાર ઠાકુર અને હીરાલાલ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ બિહારના સુપૌલ જિલ્લાના રહેવાસી છે.


26 ફેબ્રુઆરીના રોજ આતંકવાદીઓએ પુલવામાના અચેનમાં એક બેન્કમાં  સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી હતી. 29 મેના રોજ અનંતનાગમાં ઝીલેન્ડ મંડી પાસે ઉધમપુરના દીપુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.


આતંકવાદીઓના વિરુદ્ધમાં સુરક્ષાદળોએ ઓપરેશન ત્રિનેત્ર શરૂ કર્યું હતું. મંગળવારે જ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા.


અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ પાસે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. જેમાં ચીનમાં બનેલી ચાર એકે અસોલ્ટ રાઈફલ અને બે પાકિસ્તાની પિસ્તોલનો સમાવેશ થાય છે.


પુંછના મેંઢર વિસ્તારમાં 20 એપ્રિલે સુરક્ષાદળોના કાફલા પર આતંકવાદી હુમલા બાદ સેનાએ 'ઓપરેશન ત્રિનેત્ર' શરૂ કર્યું હતું. આ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા હુમલાની પેટર્ન બદલાઈ છે. હવે પોલીસ, સુરક્ષાદળોના બદલે સામાન્ય લોકો તેમાં પણ ખાસ કરીને બિન કાશ્મીરી લોકોને નિશાન બનાવવામાં આવે છે. 




 



Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial