Parliament Security Breach:સંસદની સુરક્ષા તોડનારા અને ગૃહમાં અરાજકતા ફેલાવનારાઓએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ કોર્ટને કહ્યું છે કે, આરોપીનો હેતુ અરાજકતા ફેલાવવાનો હતો. આરોપી સાગર શર્માએ જણાવ્યું છે કે, તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આટલું જ નહીં, આ બધાનું કહેવું છે કે તેઓ એક રાજકીય પક્ષ પણ બનાવવા માંગતા હતા. હાલમાં તપાસ અધિકારીઓ તેમના હેતુ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
માસ્ટરમાઇન્ડે ચોંકાવનારો ખુલાસો કર્યો છે
સંસદની સુરક્ષાનો ભંગ કરનાર મુખ્ય સૂત્રધાર લલિત ઝાએ સુરક્ષા એજન્સીઓને કહ્યું છે કે, તે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવા માંગતો હતો. તેણે કહ્યું છે કે, તે સરકાર પાસેથી તેમની માંગ પૂરી કરવા માંગે છે. દિલ્હી પોલીસે પણ આ વાત કોર્ટને જણાવી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે તેઓએ જાણી જોઈને 13 ડિસેમ્બરની તારીખ પસંદ કરી હતી કારણ કે તેઓ 2001ના હુમલાને ફરીથી રિપિટ કરાવવા માંગતા હતા. પાંચ આરોપી સાગર શર્મા, મનોરંજન ડી, અમોલ શિંદે, નીલમ આઝાદ અને લલિત ઝાએ સુરક્ષા એજન્સીઓને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી છે. પોલીસે જણાવ્યું કે તેઓએ માહિતી માટે ગૂગલનો ઉપયોગ કર્યો હતો.
સાગર શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
સાગર શર્માએ એમ પણ કહ્યું કે તેઓ અરાજકતા ફેલાવીને વધુમાં વધુ મીડિયા કવરેજ મેળવવા માગે છે જેથી તેઓ ભવિષ્યમાં રાજકીય પક્ષો બનાવી શકે. આરોપી સાગર શર્માએ જણાવ્યું છે કે, આ પહેલા તેણે જેલમાં બંધ થયા બાદ સંસદ ભવન સામે આત્મહત્યા કરવાની પણ યોજના બનાવી હતી જેથી તેને વધુમાં વધુ મીડિયા કવરેજ મળી શકે. પરંતુ આ ઉદ્દેશ્ય સિદ્ધ થઈ શક્યું ન હતું અને આયોજન રદ કરવું પડ્યું હતું. આ પછી, તેમની સલામતીને કોઈ ખતરો ન હોવાથી ધુમાડો ફેલાવવાની યોજના બનાવવામાં આવી હતી. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, આ તમામ અલગ-અલગ નિવેદનો આપી રહ્યા છે. પરંતુ ટૂંક સમયમાં જ સાચો હેતુ બહાર આવશે.