Kumaraswamy Attack on Karnataka Government: દક્ષિણ ભારતના રાજકારણમાંથી વધુ એક મોટો દાવો સામે આવ્યો છે, કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામીએ મોટો દાવો કર્યો છે. જનતા દળ સેક્યૂલર (JDS)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સત્તાધારી કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે તેવો દાવો કરતા તેમણે કહ્યું કે, “રાજ્ય સરકારના એક ટોચના મંત્રીએ કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી છે, અને તે લોકસભાની ચૂંટણી પછી ઘણાબધા ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે."


તાજેતરમાં કુમારસ્વામીએ કહ્યું, "તેમની પાસે માહિતી છે કે કોંગ્રેસના એક મંત્રીએ કેન્દ્રમાં બીજેપીના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કર્યા બાદ આશ્વાસન આપ્યું છે કે લોકસભા ચૂંટણી પછી તેઓ 50 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે. તેમણે આમ કરવા માટે છ મહિનાનો સમય આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ તેમની સાથે 50 કે 60 ધારાસભ્યો ઉમેરી શકે. જોકે, તેમણે કોંગ્રેસના મંત્રીનું નામ જાહેર નથી કર્યુ.


'અહીં પણ થશે મહારાષ્ટ્ર જેવો ખેલ'
કુમારસ્વામીએ કહ્યું, “લોકસભા ચૂંટણી પછી કંઈ પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં જે બન્યું એવું જ કંઈક અહીં પણ થઈ શકે છે. પક્ષ પ્રત્યે કોઈ પ્રમાણિક કે પ્રતિબદ્ધ નથી. તે નેતાઓ તેમના અંગત ફાયદાની કાળજી લેશે. રાજકારણમાં આવું હંમેશા થતું આવ્યું છે.


દલિત હિન્દુઓનો ઉઠાવ્યો મુદ્દો 
સામાજિક-આર્થિક સર્વેક્ષણનો ઉલ્લેખ કરતા કુમારસ્વામીએ કહ્યું, "મુખ્યમંત્રી જાતિ ગણતરીના નામે લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા." અલ્પસંખ્યકોના વિકાસ માટે 10,000 કરોડના મુખ્યમંત્રીના આશ્વાસનની પણ ટીકા કરતા કુમારસ્વામીએ કહ્યું, "તેઓ મુસ્લિમો માટે ભંડોળ પૂરું પાડવાની વિરુદ્ધ નથી, પરંતુ હિન્દુઓનું શું? બધા હિન્દુઓ ઉચ્ચ જાતિના નથી. ત્યાં દલિતો અને ગરીબો પણ છે. તેમનું શું? ?"


કોપરાની કિંમતોના વિરોધમાં કરશે પદયાત્રા 
કોપરાના ભાવમાં ઘટાડા અંગે કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, "હાસન, તુમાકુરુ અને અન્ય જિલ્લાઓમાં નાળિયેર ઉત્પાદકોને ભાવ ઘટવાને કારણે નુકસાન થયું છે. રાજ્ય સરકારે ક્વિન્ટલ દીઠ માત્ર ₹1,200ના ટેકાના ભાવની જાહેરાત કરીને નારિયેળ ઉત્પાદકો સાથે ભિખારી જેવો વ્યવહાર અને વર્તન કર્યું છે." તેમણે કહ્યું કે "સ્વાસ્થ્યની સમસ્યાઓ હોવા છતાં, તેઓ આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર બંનેને જાગૃત કરવા માટે વિધાનસભા સત્ર પછી અરાસીકેરેથી તુમકુરુ સુધી પદયાત્રા કાઢશે."