Gujarat Election 2022: ચૂંટણી પંચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોટી રાહત આપી છે. ગુજરાતની ચૂંટણી રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણી કે 2002ની હિંસાના ગુનેગારોને "પાઠ શીખવવામાં આવ્યા હતા" આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતું નથી તેમ ચૂંટણી પંચના સૂત્રોએ માહિતી આપી હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના અહેવાલની તપાસ કર્યા બાદ અને કાનૂની અભિપ્રાય લીધા પછી ચૂંટણી પંચે તારણ કાઢ્યું હતું કે "ભ્રષ્ટાચારીઓ" વિરુદ્ધ કાર્યવાહીનો ઉલ્લેખ ચૂંટણી સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતું નથી.


જાહેર છે કે, તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દમમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન (1995 પહેલા) મોટા પાયે કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ વિવિધ સમુદાયો અને જાતિના લોકોને એકબીજા સામે લડવા માટે ઉશ્કેરતી હતી. આવા તોફાનો દ્વારા કોંગ્રેસે પોતાની વોટબેંક મજબૂત કરી અને સમાજના એક મોટા વર્ગને અન્યાય કર્યો. 


ભાજપે ગુજરાતમાં કાયમી શાંતિ સ્થાપી


અમિત શાહે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં 2002ના રમખાણો એટલા માટે થયા હતા કારણ કે, કાવતરાખોરોને કોંગ્રેસના લાંબા સમયથી સમર્થનને કારણે હિંસા કરવાની આદત પડી ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ જંગી રેલીને સંબોધતા કહ્યું હતું કે, પરંતુ 2002માં પાઠ ભણાવવામાં આવ્યા બાદ આ તત્વોએ તે રસ્તો (હિંસાનો) છોડી દીધો હતો. તેણે 2002 થી 2022 સુધી હિંસામાં સામેલ થવાનું ટાળ્યું હતું. ભાજપે સાંપ્રદાયિક હિંસામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં કાયમી શાંતિ સ્થાપી છે. ગુજરાતમાં 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યના ભાગોમાં મોટા પાયે હિંસા જોવા મળી હતી.


આ મામલે ચૂંટણી પંચમાં જાણકારી આપવમાં આવી હતી. ખેડા જિલ્લાના મહુધામાં એક ચૂંટણી રેલીમાં શાહની ટિપ્પણી અંગે એક ભૂતપૂર્વ અમલદારે ગયા મહિને ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. જોકે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલુ આ નિવેદન આદર્શ આચાર સહિંતાનું ઉલ્લંઘન નથી તેમ ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓના અહેવાલની તપાસ કર્યા બાદ કાનૂની અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તારણ કાઢવામાં આવ્યું હતું કે, આ નિવેદન ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન નથી. આમ અમિત શાહને મોટી રાહત મળી છે.