The Kerala Story: ઘણા વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ The Kerala Story પર પશ્ચિમ બંગાળ સરકાર દ્ધારા લાદવામાં આવેલ પ્રતિબંધ આજે સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે. આ મામલે સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમે પશ્ચિમ બંગાળ સરકાર દ્ધારા 8 મેના રોજ ફિલ્મ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી રહ્યા છીએ. આ પ્રતિબંધ માટે કોઈ નક્કર આધાર હોય તેવું લાગતું નથી.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે અમે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાના પશ્ચિમ બંગાળના નિર્ણય પર રોક લગાવીશું. આ સાથે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી હતી કે અમે ઉનાળાના વેકેશન પછી ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળવાના મુદ્દા પર સુનાવણી કરીશું. તેમણે કહ્યું હતું કે થિયેટરને સુરક્ષા પૂરી પાડવાનું કામ રાજ્ય સરકારનું છે. હવે આ ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જૂલાઈએ થશે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની કોર્ટમાં સુનાવણી દરમિયાન આ ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરતી એક અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે ફિલ્મને વાસ્તવિક રીતે રજૂ કરવામાં આવી છે અને ડિસ્ક્લેમરમાં કંઈક બીજું છે. આ કરી શકાતું નથી. તેના પર ચીફ જસ્ટિસે સાલ્વેને પૂછ્યું હતું કે 32,000નો આંકડો તોડી-મરોડીને બતાવવામાં આવ્યો છે તેના વિશે જણાવો. સાલ્વેએ કહ્યું હતું કે ઘટનાઓ બની હોવાના કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી. આ વિવાદનો વિષય નથી. આ પછી ચીફ જસ્ટિસે કહ્યું કે 'પરંતુ અહીં ફિલ્મ કહે છે કે 32000 મહિલાઓ ગુમ છે... તેમાં એક ડાયલોગ છે.' સાલ્વેએ જવાબ આપ્યો કે અમે ડિસ્ક્લેમરમાં બતાવવા માટે તૈયાર છીએ કે આના પર કોઈ અધિકૃત ડેટા ઉપલબ્ધ નથી.
બંગાળ સરકારે પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો
આ પહેલા કેસની સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આપેલા એફિડેવિટમાં પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું હતું કે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' નકલી તથ્યો પર આધારિત છે અને તેમાં નફરતભર્યા ભાષણ છે જે સાંપ્રદાયિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ ફિલ્મ સમુદાયો વચ્ચે નફરત પેદા કરી શકે છે, જેનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. એફિડેવિટમાં પશ્ચિમ બંગાળ સરકારે પ્રતિબંધ પાછળની ગુપ્તચર માહિતીનો આધાર લીધો હતો. જો કે સુપ્રીમ કોર્ટે આજે આ ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.