Rain Forecast:ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ અને ગોવામાં ભારે વરસાદની ચેતાવણી જાહેર  કરી છે. કર્ણાટક, ઓડિશાની સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ વરસાદ વરસી રહ્યો છે.


દેશના મોટા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. મોટાભાગના રાજ્યોમાં જૂનમાં વરસાદની ખાધ જુલાઈમાં સરભર થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. દરમિયાન પુણેમાં ભારે વરસાદ બાદ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે.


સમાચાર એજન્સી ANIના  જણાવ્યા અનુસાર, ગત રાતથી પુણેમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રબર બોટ ચલાવીને લોકોને બચાવી લેવાયા છે. એક જગ્યાએ વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા.


અનેક કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા છે. ભોંયરાઓ ડૂબી ગયા હોવાથી બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોને વધુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસને એલર્ટ જાહેર કરીને લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરી છે. આજે પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


વાદળ ફાટવાના કારણે મનાલીમાં પૂર


હિમાચલ પ્રદેશના મનાલીમાં ગઈકાલે રાત્રે વાદળ ફાટવાના કારણે અરાજકતા સર્જાઈ હતી. પલચન વિસ્તારમાં પૂરના કારણે બે મકાનો ધોવાઈ ગયા હતા. બ્રિજ અને પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. કાટમાળના કારણે મનાલી લેહ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી તો દેહરાદૂન, નૈનીતાલ અને બાગેશ્વરમાં વરસાદનું  એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે.


ઉત્તરાખંડમાં વરસાદ સામાન્ય છે. જો કે ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે ગમે ત્યારે વરસાદ વધી શકે છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેહરાદૂન, નૈનીતાલ અને બાગેશ્વરમાં ભારે વરસાદની આશંકા છે.


સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને પૂર્વ રાજસ્થાનના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.


મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશાના ભાગોમાં કેટલાક ભારે ધોધ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.


સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક કે બે ભારે સ્પેલ પડી શકે છે.


હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, મરાઠવાડા, તેલંગાણા, આંદામાન અને નિકોબાર અને ઓડિશાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.


જમ્મુ-કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, રાજસ્થાનના પશ્ચિમી ભાગો, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં હળવો વરસાદ થઈ શકે છે.