મોદી સરકારે ઘેરબેઠાં કામ કરીને રોજના 2000 રૂપિયા કમાણી કરાવતી સ્કીમ લોંચ કરી ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 12:16 PM (IST)
વાયરલ પોસ્ટ પર અરજી કરવા માટે એક લિંક પણ આપવામાં આવી છે. તેના પર જોઇનિંગની અંતિમ તારીખ 10 ઓક્ટોબર આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ વ્હોટ્સએપ અને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘વધતી બેરોજગારીને જોતા મહાત્મા ગાંધીજીની જયંતિ પર કેન્દ્ર સરકાર બેરોજગારો માટે ઘર બેઠે રોજગારી આપશે. આ પોસ્ટ અનુસાર જેની પાસે સ્માર્ટ ફોન છે તે આ યોજના અંતર્ગત ઘર બેઠે 2થી 3 કલાક કામ કરીને રોજ 1થી 2 હજાર રૂપિયા કમાઈ શકે છે. વાયરલ પોસ્ટ પર અરજી કરવા માટે એક લિંક પણ આપવામાં આવી છે. તેના પર જોઇનિંગની અંતિમ તારીખ 10 ઓક્ટોબર આપવામાં આવી છે. આ વાયરલ અહેવાલ માટે સરકારે સ્પષ્ટતા કરી છે. પીઆઈબી ફેક્ટ ચેકે તેને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. પીઆઈબીએ પોસ્ટ દ્વારા કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી બેરોજગાર યોજના નથી ચલાવવામાં આવતી. વાયરલ થઈ રહેલ સમાચાર ખોટા છે, તેના પર ધ્યાન ન આપો. કોરોના વાયરસ મહામારી દરમિયાન ફેક સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યા છે, જેથી લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ આ ફેક સમાચારની તપાસ કરીને સરકારે ફેક સમાચારનો પ્રસાર અટકાવવા માટે અનેક પહેલ કરી છે. ફેક સમાચાર પર નિયંત્રણ લાવવા માટે સરકારે લોકોને આવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવાનો આગ્રહ કર્યો છે.