પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ હવે આ જીત માટે મહેનત કરનાર નેતાઓને પ્રમોટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી પંજાબના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા અને પંજાબમાં આપની જીતના માસ્ટરમાઈંડ ગણાતા IITના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકને રાજ્યસભાના સાંસદ બનાવવા જઈ રહી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ આજે જાહેરાત કરી છે કે, ડૉ. સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવી રહી છે. 


ભૌતિકશાસ્ત્રના પ્રોફેસરઃ
ડૉ. સંદીપ પાઠકને આઈઆઈટી દિલ્લીમાં ભૌતિકશાસ્ત્ર (Physics)ના પ્રોફસર હતા. પાઠક બુથ લેવલ સુધી સંગઠન બનાવવામાં નિપુણ છે. આ પહેલાં 2020ની દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ સંદીપ પાઠકે આમ આદમી પાર્ટી માટે કામ કર્યું છે. ડૉ. સંદીપ પાઠક છત્તીસગઢના મુંગેલી જિલ્લાના લોરમીના વતની છે. તેમનો જન્મ 4 ઓક્ટોમ્બર 1979ના રોજ થયો છે. સંદીપ પાઠકે બિલાસપુરથી MScનો અભ્યાસ પૂર્ણ કરીને પછી બ્રિટનમાં કેમ્બ્રિજ યુનિ.થી પીએચડીનો અભ્યાસ પુર્ણ કર્યો છે. ત્યાર બાદ તેઓ ભારતમાં પરત આવ્યા હતા. સંદીપ પાઠક આઈઆઈટી દિલ્લીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા. 


કેજરીવાલની ખુબ નજીકઃ
સૂત્રોનું માનીયે તો ડૉ. સંદીપ પાઠક આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ખુબ જ નજીકના માણસ ગણાય છે. સંદીપ પાઠકે લાંબા સમય સુધી પ્રશાંત કિશોરની ટીમમાં રહીને દિલ્લી ચૂંટણી માટે પણ કામ કર્યું છે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલને સલાહ આપનાર ટીમમાં જોડાયા છે. 


આમ આદમી પાર્ટીને જાણતા લોકો કહે છે કે, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ત્રણ વર્ષ પહેલાં જ સંદીપ પાઠકે પંજાબમાં ધામા નાખ્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કઈ રીતે જીત મેળવી શકાય છે તેની રણનીતિ ડૉ. સંદીપ પાઠકે જ બનાવી હતી. હવે પંજાબની રાજ્યસભા સીટોની આવનારી ચૂંટણીમાં ડૉ. સંદીપ પાઠકને સંસદ સભ્ય તરીકે રાજ્યસભામાં મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે.