તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક કેસ સામે આવ્યો હતો જેમાં એક મહિલાએ તેના પતિ પાસેથી તેમના લગ્નનો અંત લાવવા માટે પાંચ કરોડ રૂપિયા ભરણપોષણની માંગણી કરી હતી. તેમના લગ્ન થયાને ફક્ત એક વર્ષ થયું હતું. કોર્ટે આ માંગણીને ‘અવાસ્તવિક’ ગણાવતા કોર્ટે કડક ચેતવણી આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આવા અભિગમથી કોર્ટને "ખૂબ જ કડક આદેશ" જાહેર કરવાની ફરજ પડી શકે છે.
સુપ્રીમ કોર્ટે ફક્ત એક વર્ષ ચાલેલા લગ્નનો અંત લાવવા માટે પત્ની દ્વારા પાંચ કરોડ રૂપિયાની માંગણી અંગે કડક ચેતવણી આપી છે. કોર્ટે બંને પક્ષોને સુપ્રીમ કોર્ટ મધ્યસ્થી કેન્દ્રમાં પાછા ફરવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જો આવી માંગણીઓ ચાલુ રહે તો કોર્ટ "ખૂબ જ કડક આદેશ" જાહેર કરી શકે છે.
કેસની સુનાવણી કરતા જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે લગ્ન માંડ એક વર્ષ ચાલ્યા હતા અને પત્ની દ્વારા આટલી મોટી રકમની માંગણી પર ચિંતા વ્યક્ત કરી હતી. પતિના વકીલને સંબોધતા ન્યાયાધીશે કહ્યું હતું કે, "તમે તેણીને પાછી બોલાવીને ભૂલ કરશો. તમે તેણીને રાખી શકશો નહીં. તેણીના સપના ખૂબ મોટા છે."
માંગણી અવ્યવહારુ જાહેર કરવામાં આવી હતી
કોર્ટે પાંચ 5 કરોડની માંગણીને ગેરવાજબી ગણાવી અને કહ્યું હતું કે આવા વલણથી પ્રતિકૂળ ચુકાદાઓ આવી શકે છે. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે, "જો પત્ની આ વલણ જાળવી રાખશે તો અમારે કેટલાક આદેશો પસાર કરવા પડી શકે છે જે તેને પસંદ ન આવે. અમે અપેક્ષા રાખીએ છીએ કે પત્ની વાજબી માંગ કરશે અને આ મુકદ્દમાનો અંત લાવશે."
કોર્ટને આપવામાં આવેલી માહિતી અનુસાર, પતિ અમેઝોનમાં એન્જિનિયર છે. પતિએ કાનૂની વિવાદનો અંત લાવવા માટે સમાધાન તરીકે 35થી 40 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી પરંતુ પત્નીએ તેને ફગાવી દીધી હતી. કોર્ટે બંને પક્ષોને 5 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ મધ્યસ્થી કેન્દ્ર સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. રિપોર્ટ મળ્યા પછી કેસની આગામી સુનાવણી થશે.