નવી દિલ્લીઃ કોરોનાના વધતા જતા કેસ અને મૃત્યુ આંક, દેશના દરેક રાજ્યમાં વધતું જતું સંક્રમણ અને હોસ્પિટલમાં રેમડેસિવિર ઈંજ્કેશન સહિકતની જીવન જરૂરી દવાઓ તેમજ ઓક્સિજનની અછતને કારણે સુપ્રીમ કોર્ટે સરકાર સામે લાલ આંખ કરી  છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીન નેશનલ પ્લાન આપવા ફરમાન કર્યું છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે, તેમની પાસે કોવિડ-19થી લોકોને ઉગારવા માટે શું પ્લાન છે ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નેશનલ પ્લાન આપવા પણ ફરમાન કર્યું છે.


કોરોનાના વધતા કેસોના કારણે લોકડાઉનની માગ વધી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે લોકડાઉન અંગે પણ મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, લોકડાઉન લાદવાનો અધિકાર માત્ર રાજ્ય સરકારને જ છે અને  કોર્ટને કોઈ અધિકાર નથી. અલાહાબાદ હાઈકોર્ટે તાજેતરમાં ઉત્તર પ્રદેશનાં પાંચ મોટાં શહેરોમાં લોકડાઉન લાદવા કહ્યું હતું તેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી છે.  હવે આ મામલાની આગામી સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.


સુપ્રીમ કોર્ટે ચાર મહત્ત્વના મુદ્દા પર કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન માગ્યો છે. પ્રથમ  મુદ્દો ઓક્સિજનનો સપ્લાય, બીજો મુદ્દો દવાઓનો સપ્લાય, ત્રીજો મુદ્દો વેક્સિન આપવાની રીત અને પ્રક્રિયા અને ચોથો મુદ્દો લોકડાઉનનો છે.


દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 332,730 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2263 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 193,279 લોકો ઠીક પણ થયા છે.  અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.


સતત નવમાં દિવસે બે લાખથી વધુ કેસ


દેશમાં સતત નવમાં દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને ત્રીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 24 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.