Tej Pratap Yadav: બિહારના વન અને પર્યાવરણ મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની કારને નશામાં ધૂત ડ્રાઈવરે જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના શનિવારે રાત્રે 11 વાગ્યે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના IGIMSના ઈમરજન્સી વોર્ડની સામે બની હતી. મંત્રી તેજ પ્રતાપ યાદવ IGIMSમાં કોઈ કામ માટે આવ્યા હતા. તે દરમિયાન નશામાં ધૂત કાર ડ્રાઈવરે મંત્રીની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આરોપી કાર ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણકારી મળતા જ ડીએસપી લો એન્ડ ઓર્ડર સંજય કુમાર અને થાનેદાર રામશંકર સિંહ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
તેજ પ્રતાપની સરકારી ગાડીને અન્ય એક કારે મારી ટક્કર
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મંત્રી તેજ પ્રતાપ યાદવ IGIMSમાં કોઈ કામ માટે આવ્યા હતા. તે દરમીયાન તેમની સરકારી ગાડી ઈમરજન્સી સામે પાર્ક કરી હતી. કામ પતાવી મંત્રી ઈમરજન્સી વોર્ડમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની કારને અન્ય એક કારે જોરદાર ટક્કર મારી હતી. જેને પગલે તાત્કાલિક તેજપ્રતાપને તેમના બોડીગાર્ડે પરત મોકલી દીધા હતા અને નશામાં ધૂત ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. ઘટનાને પગલે ભીડ એકથી થઇ ગઈ હતી અને નશામાં ધૂત ડ્રાઈવરને જોરદાર મેથીપાક ચખાડ્યો હતો ત્યારબાદ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી.
પોલીસે નશામાં ધૂત કાર ચાલકની કરી ધરપકડ
ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને ડ્રાઈવર અને ગાડીમાં સવાર અન્ય એક વ્યક્તિને લોકોના ટોળાએ પકડી લીધો હતો. ત્યારબાદ બંનેને જોરદાર માર મારવામાં આવ્યો હતો. બાદમાં આરોપી ડ્રાઈવર અને અન્ય વ્યક્તિને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરતાં ડ્રાઈવર નશામાં હોવાનું સામે આવ્યું હતું
વાહનની તલાશી લેવાઈ, એફઆઈઆર નોંધવામાં આવશે
આ ઘટના બાદ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને કાર પણ કબજે કરી લીધી છે. મોડી રાત્રે વાહનની તલાશી લેવામાં આવી હતી. ઘટના અંગે ડ્રાઈવર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કારના ચાલકે પોલીસને જણાવ્યું કે તે તેની માતાની સારવાર કરાવવા માટે અહીં આવ્યો હતો. અને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો