Bharat Row: G20 ડિનર કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં 'પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા'ને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવાના કારણે અનેક અટકળો અટકળો ચાલી રહી છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સરકાર દેશના નામમાંથી ઇન્ડિયા હટાવીને માત્ર ભારત કરવા માંગે છે. આ અટકળો વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ ખુલાસો કર્યો છે કે દેશનું નામ બદલવાની પ્રક્રિયા શું છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે અમને નામ બદલવાની અરજી મળ્યા બાદ જ નામ બદલવામાં આવે છે.                 


સંયુક્ત રાષ્ટ્રએ માહિતી આપી


વાસ્તવમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસના ઉપપ્રવક્તા ફરહાન હકે તુર્કીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જેમ તુર્કીના મામલામાં ત્યાંની સરકારે નામ બદલવા અંગે અમને ઔપચારિક અરજી મોકલી હતી ત્યારબાદ જ નામ બદલવામાં આવ્યું હતું. અમને અરજી મળશે તો અમે તેના પર વિચાર કરીશું. નોંધનીય છે કે વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકાર દેશના નામમાંથી ઇન્ડિયાને હટાવીને માત્ર ભારત રાખવાની યોજના બનાવી રહી છે. જો કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.                       


પીએમ મોદીએ મંત્રીઓને વિવાદથી દૂર રહેવાની અપીલ કરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના મંત્રીઓને ભારત નામને લઈને ચાલી રહેલા વિવાદ પર ટિપ્પણી કરવાથી બચવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ G20 સમિટ દરમિયાન કેબિનેટ મંત્રીઓને શું કરવું અને શું ન કરવું તે વિશે માહિતી આપતાં કહ્યું હતું કે તેમણે G20 સમિટ દરમિયાન દિલ્હીમાં રહેવું જોઈએ અને આ વિશેષ કાર્યક્રમ દરમિયાન તેમને મળેલી જવાબદારીઓ સારી રીતે નિભાવવી જોઈએ જેથી કરીને સમિટમાં આવનાર મહેમાનોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.                


નોંધનીય છે કે  9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં G-20 સમિટનું આયોજન થશે. દરમિયાન અનેક દેશોના રાષ્ટ્રપતિ અને ઉચ્ચ અધિકારીઓ દિલ્હી આવશે. આ કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને  ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વગેરે જેવા ઘણા ટોચના નેતાઓનો સમાવેશ થાય છે.