આ અહેવાલમા કરાયેલા દાવા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં બે નાયબ મુખ્યમંત્રી હોવા છતાં હજુ ભાજપને યોગ્ય પરિણામ મળતું નહીં હોવાનું કેન્દ્રિય મોવડી મંડળનું માનવું છે. આ કારણે ભાજપને મજબૂત બનાવવાના મિશન સાથે એ.કે.શર્માને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઉતારવામાં આવશે.
ગુજરાત કેડરના 1988 બેચના સિનિયર આઈએસ અધિકારી અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી રિટાયર IAS અધિકારી અરવિંદ કુમાર શર્મા PMOમાં તેમની સાથે ફરજ બજાવતા હતા.
6 વર્ષ સુધી PMOમાં રહ્યા બાદ તેમની ગઇ 30 એપ્રિલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીઝના સચિવ પદે બદલી કરવામાં આવી હતી. આ બદલી કર્યાના 9 મહિના બાદ IAS અરવિંદ શર્માએ અચાનક સ્વૈચ્છિક રાજીનામું આપી દીધુ.
શર્મા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. મોદી વડાપ્રધાન બનતાં તેમને દિલ્હી લઇ ગયા હતા.
વડાપ્રદાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અરવિંદ કુમારે સચિવ તરીકે ફરજ બજાવી હતી. નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી 2001માં બન્યા ત્યારથી અરવિંદ કુમાર શર્મા તેમની સાથે કામ કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ વાઈબ્રન્ટ ગુજરાતને આગળ લઈ જવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. આમ તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે છેલ્લા બે દાયકાથી કામ કરી રહ્યા છે.