નવી દિલ્હીઃ કોરોના વાયરસની ચેઇન તોડવા દેશના કેટલાક રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમ છતાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવતું નથી. છેલ્લા એક સપ્તાહથી દેશમાં રોજના 34,000થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન દેશના કેટલાક રાજ્યોએ લોકડાઉન નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે.


કર્ણાટકઃ બેંગલુરુમાં એક સપ્તાહનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેની અવધિ બુધવારે સવારે પાંચ વાગે પૂરી થશે. સીએમ યેદિયુરપ્પા અને તેમના સહયોગી મંત્રી સતત કહેતા આવ્યા છે કે રાજ્યમાં 22 જુલાઈ બાદ લોકડાઉન નહીં વધારવામાં આવે. બેંગલુરુના કમિશ્નરે પણ કહ્યું છે કે શહેરમાં લોકડાઉન નહીં લંબાવાય. સોમવારે મુખ્યમંત્રીએ બેંગલુરુમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી હતી, જોકે આ બેઠક દરમિયાન બેંગલુરુમાં લોકડાઉનની કોઈ ચર્ચા નહોતી કરવામાં આવી.

પશ્ચિમ બંગાળઃ લોકડાઉન કોરોના ક્રાઇસિસનું સોલ્યુશન ન હોવાનું પશ્ચિમ બંગાળ સરકારને પણ લાગે છે. તેથી રાજ્ય સરકારે લોકડાઉન નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે. ચીફ સેક્રેટરી રાજીવ સિન્હાએ નોટિફિકેશન બહાર પાડીને કહ્યું, રાજ્યમાં લોકડાઉન નાંખવાનો કોઈ પ્લાન નથી પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક લોકડાઉનનું પાલન કરાવવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,55,191 પર પહોંચી છે અને 28,084 લોકોના મોત થયા છે. 7,24,578 લોકો સાજા થઈ ગયા છે અને 4,02,529 એક્ટિવ કેસ છે.