નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના રસીકરણનો આજે ત્રીજો દિવસ છે. આજે દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને બિહાર સહિત 18 રાજ્યોમાં રસી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં શનિવારે કોવિન એપમાં ટેક્નીકલી મુશ્કેલી આવવાને કારણે રસીકરકણ રોકવામાં આવ્યું હતું. રસી પર સવાલ ઉઠાવનારાઓને એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, રસી પૂરી રીતે સુરક્ષિત છે અને સાઇડ ઇફેક્ટની વાત ખોટી છે. તેની સાથે જ લોકોને બચાવવા છે તો રસી લગાવવી જ પડશે.


આજે ક્યા ક્યા રાજ્યમાં આપવામાં આવશે રસી

જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાના, કર્ણાટક, કેરળ, ઓડિશા, આંધ્રા પ્રદેશમાં કોરોના રસી આપવામાં આવશે.

આ રાજ્યોમાં આજે નહીં લાગે રસી

મહારાષ્ટમરાં આજે રસી આપવામાં નહીં આવે. કોવિન એપમાં ટેક્નીકલી મુશ્કેલી આવવાને કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું છે.

યૂપીમાં પણ આજે રસી આપવામાં નહીં આવે. હવે આગામી રાઉન્ડ 2 જાન્યુઆરીએ થશે. શનિવારે રસીકરણના પ્રથમ દિવસે 31700 લોકોને રસી આપવાનો ટાર્ગેટ હતો જેમાંથી 22600 લોકોને રસી આપવામાં આવી.

ગુજરાતમાં પણ આજે રસી આપવામાં નહીં આવે. હવે મંગળવારે રસી આપવામાં આવશે.

બે દિવસમાં 2.24 લાખ લોકોને રસી આપવામાં આવી

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વિતેલા બે દિવસ દરમિયાન દેશમાં 2.24 લાખથી વધારે લાભાર્થીઓને કોરોના રસી આપવામાં આવી. આ દરમિયાન 447 લોકો પર થોડી સાઈડ ઇફેક્ટ જોવા મળી. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ 447 લોકોમાંથી માત્ર ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરત પડી છે.