તિરુવનંતપુરમઃ કેરળના તિરુવનંતપરમમાં કોરોના વાયરસના વધારે મામલા સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં તિરુવનંતપુરમમાં ટ્રિપલ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તિરુવનંતપુરમમાં સોમવારે સવારે 6 વાગ્યથી ટ્રિપલ લૉકડાઉન લાગુ થઈ ગયું છે, જે એક સપ્તાહ સુધી ચાલુ રહેશે.


ટાઇમ્સ નાઉ પ્રમાણે ટ્રિપલ લૉકડાઉન લાગુ કરવાનો હેતુ કોરોના વાયરસના સંક્રમણની ચેઇન તોડવાનો છે. ટ્રિપલ લૉકડાઉનમાં જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ હિલચાલ અને બિઝનેસ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. શહેરમાં પ્રવેશવાના તથા બહાર નીકળવાના મુખ્ય માર્ગ સિવાય તમામ રોડ-રસ્તા બંધ કરી દેવામાં આવે છે. લોકોની અવરજવરને રોકવા અને કાયદાનો કડક અમલ કરાવવા પોલીસકર્મી ચોવીસ કલાક તૈનાત રહે છે. એટીએમ, પેટ્રોલ પમ્પ, દવાની દુકાન, કરિયાણા અને શાકભાજી વિક્રેતાઓ, હોસ્પિટલો અને રસોઈ ગેસ એજન્સીઓ બધાને જરૂરી સેવાઓ માનવામાં આવી છે અને તેમને કેટલીક નિશ્ચિત મર્યાદાની અંદર સંચાલન કરવાની છૂટ આપવામાં આવશે.

આ સિવાય યુટિલિટીઝ અને સેનિટેશન સેવાઓ સાથે સંકળાયેલા કામદારો, જીવનજરૂરી વસ્તુઓનું વહન કરતાં ટ્રકોને શહેરની આસપાસ ફરવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં તેમણે સહી કરેલા ડેકલેરેશન ફોર્મ્સ સાથે રાખવા પડશે અને તેમના કામના પ્રકારનું વર્ણન કરવું પડશે. નિયમનો ભંગ કરનારને દંડ કરવામાં આવશે. જ્યારે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ કાર્યરત નહીં રહે. રેલવે સ્ટેશન, એરપોર્ટથી મુસાફરી કરનારા વ્યક્તિઓ માટે ખાસ પરિવહનનું આયોજન કરવામાં આવશે.

કેરળના પર્યટન મંત્રી કે. સુરેદ્રને કહ્યું હતું કે, કોવિડ-19ના વધતા મામલા સાથે તિરુવનંતપુરમ જિલ્લો સક્રિય જ્વાળામુખી પર બેઠો છે અને સંક્રમણનો સામૂહિક પ્રસાર નહીં થાય તે વાતની કોઈ ગેરંટી નથી.