નવી દિલ્હી: હાલ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. જૂન મહિનામાં વરસાદની શરૂઆત થઈ જશે જોકે સમગ્ર દેશમાં મોનસૂનની સક્રિયતાનો ગાળો હવે 48ના બદલે 71 દિવસનો જોવા મળશે. 1 જૂને મોનસૂન કેરળમાં આગમન થયા બાદ ધીમે-ધીમે દેશમાં આગળ વધશે અને છેવટે રાજસ્થાન (પોખરણ) પહોંચશે.

15 જુલાઇથી 1 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેતું મોનસૂન હવે 8 જુલાઈથી 17 સપ્ટેમ્બર સુધી આખા દેશમાં એક સાથે સક્રિય થશે. તેની વિદાય 16 દિવસ મોડી શરૂ થશે. આ સાથે જ મોનસૂનનું નવું કેલેન્ડર પણ લાગુ થશે.

નવા કેલેન્ડરમાં કેરળમાં મોનસૂનના આગમનની તારીખ 1 જૂન છે. જોકે, આ વખતે વિદાયનાં સ્થળો બદલાતા જોવા મળી રહ્યા છે. હવે તે ઇમ્ફાલ, કલિંગાપટ્ટનમ (આંધ્ર) અને ગંગાવટી (કર્ણાટક) હશે. જ્યાં સાઉથ-વેસ્ટ મોનસૂનનો છેલ્લો વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે, આ વખતે સમગ્ર દેશના મુખ્ય જળાશયોમાં જળસંગ્રહના સંચાલન, નદીઓના બેરેજથી પાણીના પ્રવાહ અને વીજ ઉત્પાદનના સંચાલનમાં મોનસૂનની નવી તારીખોથી મદદ મળશે.

પૂણે સ્થિત ક્લાઇમેટ રિસર્ચ વિંગના મુખ્ય વિજ્ઞાની ડો. ડી. એસ. પઈએ જણાવ્યું હતું કે, મોનસૂનના આગમન અને વિદાયની તારીખો બદલાતી જોવા મળી રહી છે. જેના કારણે અનેક શહેરોમાં તેનો સમયગાળો વધતો જોવા મળી રહ્યો છે તો ક્યાંક 2-5 દિવસનો ઘટાડો પણ જોવા મળે છે. બાડમેરમાં મોનસૂન હવે વધુ 22 દિવસ જ્યારે અમદાવાદ, ઇન્દોર, અકોલા અને પુરી જેવા શહેરોમાં થોડું ટૂંકું રહેશે.