એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ દુબે પાસે તેની પોતાની ગાડી નથી. તે ઓટો કે રિક્ષા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ-જા કરે છે અથવા બીજા વ્યક્તિની ગાડીથી સફર કરે છે. બીજી વાત એ પણ સામે આવી છે કે વિકાસના પગમાં સળિયા નાંખ્યા હોવાથી તે લંગડાતો ચાલે છે.
વિકાસ ચોરી છુપીથી દિલ્હી પહોંચીને આત્મસમર્પણ કરવાનો રસ્તો શોધી શકે છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ગેંગસ્ટર અંગે કોઈપણ માહિતીને લઈ એલર્ટ છે. દિલ્હીમાં ગેંગસ્ટરના પ્રવેશ કરવાની સંભાવનાને ધ્યાનમાં રાખી યૂપી-દિલ્હી બોર્ડર પર પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના કાનપુર એન્કાઉન્ટરના મુખ્ય આરોપી વિકાસ દુબેના સાથી અમર દુબેને હમીરપુરમાં યુપી એસટીએફે ઠાર કર્યો હતો. પોલીસે વિકાસ દુબે અને સાથીઓના પોસ્ટર જાહેર કર્યા છે અને જોવા મળે તો પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. પોસ્ટરમાં 15 આરોપીઓના નામ છે.
ઉત્તરપ્રદેશના ADG (લૉ એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે કહ્યું કે, 40 ટીમ અને એસટીએફ કામ કરી રહી છે. અમે વિકાસ દુબે, તેના સાથીઓ અને પરિવારજનોની માહિતી એકત્ર કરી રહ્યા છીએ. ઘરની તલાશી દરમિયાન 2 કિલો વિસ્ફોટક પદાર્થ, 6 દેશી બનાવટની પિસ્તોલ, 15 ક્રૂડ બોંબ અને 25 કારતૂસ મળી આવ્યા છે.