Coronavirus: વિશ્વના ઘણા દેશોમાં હાલ કોરનાના કેસ વધી રહ્યા છે પણ ભારતમાં ઘટી રહ્યા છે. કોરાનાના વધતા કેસને લઈ ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મોટી વાત કરી છે.


લવ અગ્રવાલે કહ્યું, ઓમિક્રોન વેરિઅન્ટનો ખતરો ભારતમાંથી દૂર નથી થયો, પરંતુ જ્યારે કિંમતી જીવન બચાવવાની વાત આવે છે ત્યારે આપણે કોવિડ-19ના વિશ્વમાં એકંદર સંચાલન કરતાં 23 ગણા વધુ સફળ થયા છીએ. આપણે વિશ્વના 99 દેશોને રસી પૂરી પાડી છે... ભારતે 145 દિવસમાં 250 મિલિયન ડોઝ પૂરા કર્યા છે. અત્યારે, મને એ વાતનો ગર્વ છે કે આપણે રસીકરણના 1.81 બિલિયન ડોઝ પૂર્ણ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું,  અમે દરેક નાગરિકને કોવિડ ડોઝ આપ્યા બાદ QR કોડેડ ડિજિટલ પ્રમાણપત્રો આપ્યા. અમે ટેક્નોલોજીનો લાભ લીધો. અમે આ દેશમાં માનવ સંસાધનોનો લાભ લીધો છે.




ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,549 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસ ઘટીને 25,106 થયા છે. રવિવારે દેશમાં કોરોના વાયરસના 1,761 નવા મામલા નોંધાયા હતા અને 127 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 1134 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 25,106થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,16,510 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,24,67,774 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 181, 24,97,303 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 2,97,285 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.