જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ સામે કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.






શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોર્પ્સે એક ટ્વીટમાં કહ્યું હતું કે ઓપરેશન હલાન કુલગામ. સુરક્ષા દળોએ 4 ઓગસ્ટના રોજ કુલગામના હલાનના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી વિશેની જાણકારી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સેનાના અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટરના વિસ્તારમાં વધુ દળો મોકલવામાં આવ્યા છે.


અગાઉ કાશ્મીરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબા (LeT)ની શાખા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) સાથે જોડાયેલા આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ લોકોની ઓળખ બારામુલ્લાના ઈમરાન અહમદ નઝર, શ્રીનગરના વસીમ અહમદ મટ્ટા અને બિજબેહરાના વકીલ અહેમદ ભટ તરીકે થઈ છે.


જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થયા


આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે જ્યારે આજે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસર પર ભાજપે શ્રીનગરમાં વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી છે. સવારે 9.30 વાગ્યે નહેરુ પાર્કથી શરૂ થનારી આ વિજય કૂચ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર સુધી જશે. સાવચેતીના ભાગરૂપે અમરનાથ યાત્રા શનિવારે (5 ઓગસ્ટ) સ્થગિત કરવામાં આવી છે.