વોશિંગ્ટનઃ અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ત્રણ ગુજરાતી ઝડપાયા છે. આ ત્રણેય ગુજરાતી પટેલ પરિવારના છે અને તેમની વર્જિન આઈલેન્ડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ ફ્લોરિડા જવાની ફ્લાઈટ પકડે એ પહેલાં નકલી દસ્તાવેજોના કારણે ઝડપાઈ ગયા હતા.
રસપ્રદ વાત એ છે કે, આ ત્રણેય લોકો 2019માં આ રીતે ઘૂસવા જતાં પકડાયા હતા. એ વખતે તેમને ભારત પાછા મોકલી દેવાયા હતા છતાં ફરી તેમણે અમેરિકામાં ઘૂસવા કોશિશ કરી છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ), નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ),છે. આ ત્રણેયનો ગુનો સાબિત થશે તો 10 વર્ષની જેલ થશે. જેલવાસ ભોગ્યા પછી તેમને ફરીથી ભારત પાછા મોકલી દેવામાં આવશે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ત્રણ ગુજરાતી નાગરિકોની વર્જિન આઈલેન્ડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કૃષ્ણા પટેલ, નિકુંજ પટેલ અને અશોકકુમાર પટેલની વર્જિન આઈલેન્ડના સેન્ટ ક્રોઈક્ષ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય જણાં ફ્લાઈટમાં બેસવાની તૈયારીમાં હતા એ વખતે ત્રણેયના દસ્તાવેજો નકલી જણાતાં તેમને રોકી રાખવામાં આવ્યા હતા. તપાસ પછી નકલી દસ્તાવેજો બનાવવા બદલ તેમ જ ઘૂસણખોરીના ગુના સહિતના આરોપો લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયના ડ્રાઈવિંગ લાઈસન્સમાં ગરબડ જણાઈ હતી એવું અધિકારીઓએ કહ્યું હતું.
અમેરિકાના એટર્ની જનરલે એક નિવેદનમાં કહ્યું હતું કે, ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 24 નવેમ્બરે એરપોર્ટ પરથી આ ત્રણેય ગુજરાતી નાગરિકો પકડાયા હતા. આ ત્રણેયનો ગુનો સાબિત થશે તો તેમને 10 વર્ષની જેલ થઈ શકે છે. આ ત્રણેયનો અગાઉ પણ ઘૂસણખોરીનો રેકોર્ડ છે. અમેરિકન વકીલના કહેવા પ્રમાણે 2019માં ત્રણેય ઘૂસણખોરીના આરોપ હેઠળ ફ્લોરિડામાંથી પકડાયા હતા. એ વખતે તેમને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હતા. અમેરિકાનો કાયદા વિભાગ આ ત્રણેય આરોપીઓ સામે કેસ દાખલ કરશે. એક વખત જે તે દેશમાં મોકલ્યા પછી ફરી પ્રયાસ કરનારા વિદેશી નાગરિકો ઉપર વધુ આકરી કલમો લગાડવામાં આવે છે. વકીલના કહેવા પ્રમાણે ત્રણેયનો ગુનો સાબિત થશે તો 10 વર્ષની જેલ પછી તેમને ફરીથી મૂળ દેશમાં મોકલી દેવામાં આવશે.