નવી દિલ્હીઃ અમેરિકાના નેવાર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ એક યાત્રીના મોત બાદ ઉડાન ભર્યાના ત્રણ કલાક બાદ ફરીથી દિલ્હી એરપોર્ટ પર આવી હતી. એર ઈન્ડિયાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, મેડિકલ ઈમરજન્સીના કારણે એર ઈન્ડિયા દિલ્હી-નેવાર્ક ફ્લાઇટ ત્રણ કલાકથી વધારે સમયની ઉડાન ભર્યા બાદ પરત આવી હતી.


પત્ની સાથે યાત્રા કરતો હતો મૃતક


એરપોર્ટ પરના ડોક્ટરોની ટીમ વિમાનમાં પહોંચીને મુસાફરની તપાસ કરી હતી. જે બાદ તેને મૃત જાહેર કરાયો હતો. તે અમેરિકન નાગરિક હતો અને પત્ની સાથે મુસાફરી કરતો હતો. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું, 04.12.2021ના રોજ નેવાર્ક જતી ફ્લાઇટ એઆઈ-105માં એક પુરુષ મુસાફરના કારણે પરત ફરી હતી. એક અમેરિકન નાગરિક પત્ની સાથે નેવાર્ક જઈ રહ્યો હતો.


દિલ્હી એરપોર્ટના અધિકારીના જણાવ્યા મુજબ, ફ્લાઇટ સંચાલન માટે પાયલટ સહિત એક નવી બેચની વ્યવસ્થા કરાઈ છે. આગળની કાનૂની કાર્યવાહી માટે મામલાની જાણ એરપોર્ટ પોલીસને કરવામાં આવી છે.


ઢાકામાં પણ ઈમરજન્સી લેન્ડિંગ


બુધવારે રાત્રે ઢાકાથી આવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યાં મલેશિયન એરલાઇન્સના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં વિમાનને હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે, આ માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું છે. બાંગ્લાદેશની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું હતું કે, "ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (HSIA) પર મુસાફરો, તેમના સામાન અને વિમાનની સંપૂર્ણ શોધ કર્યા પછી, મલેશિયન એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાના અહેવાલો પાયાવિહોણા" હોવાનું બહાર આવ્યું છે. આ માહિતી અમને મલેશિયાથી ફોન પર મળી હતી. તેણી ખોટી સાબિત થઈ છે.


27 નવેમ્બરે બેંગ્લોરથી પટના જતી ગો ફર્સ્ટ ફ્લાઈટને ખરાબ એન્જિનની ચેતવણી બાદ નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. આ વિમાન પટના જઈ રહ્યું હતું અને તેમાં 139 મુસાફરો સવાર હતા.