નવી દિલ્હીઃ વરસાદની સીઝન શરૂ થતાં જ દેશમાં મકાનો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. આજે મુંબઈમાં સવારે બિલ્ડિંગ ધરાશાયી થતાં 19 લોકોના મોત થયા હતા. આ ઘટનાની સ્યાહી સુકાઈ નથી ત્યાં દિલ્હી નજીક ગુરુગ્રામમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. જેમાં બે ડઝનથી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.


બિલ્ડિંગ પડવાની આ ઘટના ફરુખનગરના ખાવસપુર વિસ્તારમાં બની છે. હાલ બચાવ અને રાહત કાર્ય શરૂ કરાયું છે. આ બિલ્ડિંગ કયા કારણસર પડી તે અંગે કોઈ માહિતી મળી નથી. ઘટના સ્થળે હાજર DCP રાજીવ દેસવાલે કહ્યું કે, 'અમને બિલ્ડિંગ પડી હોવાની સુચના મળી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને હાલ રાહત તેમજ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.'




આજે સવારે મુંબઈના ચેમ્બૂરમાં દિવાલ ધસી પડી હતી, જેમાં 18થી વધુ લોકોના મોત થયા હતા. ભરતનગર વિસ્તારમાં અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે વિક્રોલીમાં દિવાલ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા. મોડી રાત્રે આ ઘટના બની હતી. એક જ વિસ્તારમાં બે સ્થળો પર લેન્ડસ્લાઇડની ઘટના બની હતી. મૃતકોને પીએમઓએ બે લાખની અને રાજ્ય સરકારે 5 લાખની સહાય જાહેર કરી હતી.મુંબઈમાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઇમાં ભારે વરસાદ બાદ ઠાણે, પાલઘર, રાયગઢ, અંધેરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.


મુંબઇના અનેક વિસ્તારોમાં ઘરોમાં  પણ પાણી ઘૂસી ગયું હતું. અંધેરી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાદરમાં બેસ્ટની બસો પાણીમાં ડૂબી ગઇ હતી. કાંદીવલીમાં અનેક દુકાનોમાં પાણી ભરાતા જોઇ શકાતાહતા.  ભારે વરસાદથી રેલવે સેવાઓ પ્રભાવિત થઇ હતી. મુંબઇના સાયન રેલવે ટ્રેક પુરી રીતે પાણીમાં  ડૂબી ગયો હતો. રેલવે ટ્રેક પર ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયું હતું.