નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોએ મંગળવારે ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. પ્રાપ્ત જાણાકારી અનુસાર આ ત્રણેય આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના છે. જેમાં બે વિદેશી હોવાની વાત સામે આવી છે.

જો કે, સેના તરફથી આ ત્રણેય આતંકીઓની ઓળખ જાહેર કરી નથી. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં આતંકીઓ હોવાની જાણકારી મળ્યા બાદ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. તેના બાદ ઘર્ષણ થયું હતું.


આ પહેલા જમ્મુ કાશ્મીરમાં રાજોરીના નૌશેરા સેક્ટરમાં આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે રવિવારે સેનાએ આતંકીઓના ચાર કેમ્પ ઉડાવી દીધાં હતા. જેના બાદ કાશ્મીરમાં આ પ્રથમ અથડામણ છે. સેનાના વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે ફાયરિંગમાં ઓછામાં ઓછા છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 20 ઓક્ટોબરે તંગધાર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરેલા સીઝફાયરના ઉલ્લંઘનમાં બે ભારતીય જવાન શહીદ થયા હતા.