પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાત બેઠકો એવી રહી જ્યાં સત્તારુઢ તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી અને હાર-જીતનું અંતર એક હજારથી પણ ઓછા મતોનું રહ્યું છે. જેમાં એક બેઠક તો એવી રહી જ્યાં 57 મતથી હાર-જીતનો નિર્ણય થયો છે.
ચાર રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન કાંટે કી ટક્કરમાં સૌથી વધારે ચર્ચામાં પશ્ચિમ બંગાળનું નંદીગ્રામ રહ્યું. અહીં મુકાબલો મમતા બેનર્જી અને શુભેંદુ અધિકારી વચ્ચે હતો.
આ બેઠક પર શુભેંદુ અધિકારીએ મમતાને 1,956 મતથી હાર આપી પરંતુ તેના કરતા પણ વધારે ટક્કર દિનહાટા, બલરામપુર,દંતન, કુલ્ટી, તમલુક, જલપાઈગુડી અને ઘાટાલમાં રહી છે, જ્યાં હાર-જીતનું અંતર 57થી લઈને 966 મતોનું કહ્યું છે.
દિનહાટામાં સૌથી ટક્કરનો મુકાબલો
સૌથી વધારે જોરદાર ટક્કર કૂચ બિહારના દિનહાટા વિધાનસભા ક્ષેત્રમાં જોવા મળી. અહી મુકાબલો ભાજપના સાંસદ નિષિથ પારામાણિક અને તૃણમૂલ કૉંગ્રેસના ઉદયન ગુહા વચ્ચે હતો. આ મુકાબલામાં બાજી પારામાણિકના હાથમાં લાગી છે. તેમણે ગુહાને 57 મતોથી હાર આપી છે.
આ મુકાબલામાં પારામાણિકને 1,16,035 મત મળ્યા જ્યારે ગુહાને 1,15,978 મત મળ્યા છે. પારામાણિક પહેલા તૃણમૂલ કૉંગ્રેસમાં હતા પરંતુ 2019 લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં સામેલ થયા અને તેમણે કૂચ બિહારથી લોકસભા ચૂંટણી જીતી હતી.
તૃણમૂલ કૉંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી ઈતિહાસ રચી દિધો છે. સતત ત્રીજી વખત રાજ્યમાં સત્તા પોતાની પાસે જાળવી રાખવામાં મમતા બેનર્જી સફળ થયા છે. ટીએમસીએ 292 વિધાનસભા બેઠકોમાંથી 213 બેઠકો પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લાગવનાર ભાજપે 77 બેઠકો પર જીત મેળવી છે.