TIME World's Best Companies 2023: દુનિયાની જાણીતી મેગેઝિન 'TIME' એ વર્ષ 2023 માટે વિશ્વની શ્રેષ્ઠ 100 કંપનીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોપ-100માં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું છે. આ કંપનીનું નામ ઈન્ફોસિસ છે. આ યાદીમાં સ્થાન મેળવનારી આઈટી કંપની ઈન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની છે. કુલ 750 વૈશ્વિક કંપનીઓની યાદીમાં ઈન્ફોસિસ 64મા ક્રમે છે. વર્ષ 2020ના ડેટા અનુસાર, ઈન્ફોસિસ ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની બની ગઈ છે. વિશ્વભરમાં તેના 3 લાખથી વધુ કર્મચારીઓ છે.


જાણો કઇ કંપનીઓને મળ્યું સ્થાન 
ટાઈમ મેગેઝિન અનુસાર, વિશ્વની ટોચની ચાર કંપનીઓના નામ માઇક્રોસૉફ્ટ, એપલ, ગૂગલની માલિકીની કંપની આલ્ફાબેટ અને ફેસબુકની માલિકીની કંપની મેટા છે.


આ ભારતીય કંપનઓએ પણ ટૉપ 750માં બનાવી જગ્યા - 
ઈન્ફોસિસ ઉપરાંત 7 વધુ ભારતીય કંપનીઓને ટોચની 750 કંપનીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. વેટરન આઈટી કંપની વિપ્રોએ આ યાદીમાં 174મું સ્થાન મેળવ્યું છે. જ્યારે આનંદ મહિન્દ્રાનું મહિન્દ્રા ગ્રુપ 210માં સ્થાને છે. આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ પણ સામેલ છે અને ટાઈમ મેગેઝીન દ્વારા કંપનીને 248મું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં HCL Technologiesને 262મું સ્થાન, HDFC બેન્કને 418મું સ્થાન, WNS ગ્લોબલ સર્વિસિસને 596મું સ્થાન અને ITCને આ યાદીમાં 672મું સ્થાન મળ્યું છે.




કયા આધારે બને છે યાદી 
ટાઈમ મેગેઝિન કર્મચારીઓના સંતોષ અને તેમના પ્રતિસાદના આધારે વિશ્વની ટોચની કંપનીઓની યાદી તૈયાર કરે છે. આ યાદી તૈયાર કરવા માટે કંપનીઓના ત્રણ વર્ષના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે આ યાદીમાં ફક્ત તે કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની કમાણી ઓછામાં ઓછી $100 મિલિયન રહી છે અને જેણે 2020 અને 2022 વચ્ચે હકારાત્મક વૃદ્ધિ હાંસલ કરી છે.