કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને સામાન્ય લોકોમાં ખૂબ ગુસ્સો છે. દેશભરની હોસ્પિટલોમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ આ ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. બાંકુરાના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ આ આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.


તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ કહ્યું છે કે મુખ્યમંત્રીને બદનામ કરવાના કોઈપણ પ્રયાસના ગંભીર પરિણામો આવશે. તેમણે એવી ચેતવણી પણ આપી છે કે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા ડોકટરોને લોકોના રોષનો સામનો કરવો પડી શકે છે. જો ડોક્ટરો તેમનું મેડિકલ કામ કરવાને બદલે આંદોલનના નામે ઘરે જતા રહેશે અને ડોક્ટરો તેમના બોયફ્રેન્ડ સાથે આંદોલનના નામે બહાર જશે તો ચોક્કસ લોકોમાં રોષ જોવા મળશે.


હોસ્પિટલની સેવાઓ ખોરવાઈ જાય તો લોકો ગુસ્સે થઇ શકે છે


મચંતલામાં એક રેલીમાં ચક્રવર્તીએ વિપક્ષના પ્રયાસોની ટીકા કરી અને વિરોધ કરી રહેલા જૂનિયર ડોકટરોને કામ પર પાછા ફરવાની ચેતવણી આપી હતી. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો હોસ્પિટલની સેવાઓ ખોરવાઈ જશે તો લોકો ગુસ્સો થઇ શકે છે. તેમણે વિરોધ પ્રવૃતિઓને કથિત રીતે સમર્થન આપવા બદલ પોલીસના એક વિભાગની નિંદા કરી અને તેમને રાજ્ય સરકારની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, લોકોનો રોષ ભભૂકી શકે છે, જો સારવારના અભાવના કારણે દર્દીઓનું મોત થશે તો લોકો ગુસ્સે થશે. જો દર્દી સારવાર વિના મૃત્યુ પામે તો દર્દીના પરિવારજનો તેમને છોડી દેશે?


CPMએ ચક્રવર્તીના નિવેદનોની સખત નિંદા કરી છે


તેમણે પોલીસને પણ આડે હાથ લીધી અને કહ્યું કે કેટલાક એવા પોલીસકર્મીઓ છે જે નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યા. તેમણે એ પણ યાદ અપાવ્યું કે તેઓ સરકાર હેઠળ કામ કરે છે. તેઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અમારી પાસે આવા સમાચાર છે અને ઉચ્ચ સ્તરે તેની જાણ કરીશું. CPMએ ચક્રવર્તીના નિવેદનોની સખત નિંદા કરી છે,


શું છે મામલો?


પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર 9 ઓગસ્ટ, 2024ના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં મૃત હાલતમાં મળી આવી હતી. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે, ત્યારબાદ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. કોલકાતામાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.


સીબીઆઈને કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની મંજૂરી મળી ગઈ છે. તપાસ એજન્સીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પહેલા એજન્સીએ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવ્યો હતો. હવે પોલીગ્રાફી ટેસ્ટ દ્વારા જાણી શકાશે કે આરોપી કેટલું જૂઠું અને કેટલું સત્ય બોલી રહ્યો છે. સીબીઆઈ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર પણ પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માંગે છે.