દિલ્લીમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધતાં કેજરીવાલ સરકારે (Arvind Kejriwal Governent)  લોકડાઉનનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીના કારણે દિલ્લીની હાલત પણ મહારાષ્ટ્રની જેમ ખરાબ થતી જાય છે. જેને લઈ આજે રાતથી આગામી સોમવાર સુધી લોકડાઉન લગાવવામાં  આવ્યું છે.  દિલ્લીના મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. 


દિલ્લીમાં વધતા જતાં સંક્રમણને લઇને સીએમ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ  બૈજલની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેજરીવાલ સરકારે આગામી સોમવાર સુધી રાજધાની દિલ્લીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું છે.  આ સમય દરમિયાન શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે જાણીએ...


દિલ્લી લોકડાઉન વિશે મહત્વની 10 વાતો



  • સોમવારે રાત્રે દસ વાગ્યાથી આગામી સોમવાર સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન

  • લોકડાઉન દરમિયાન ખાનગી ઓફિસો સંપૂર્ણ બંધ રહેશે અને કર્મચારીઓએ વર્કફ્રોમ હોમ કરવાનું રહેશે

  • બીજા રાજ્યોથી આવનાર સામે પ્રતિબંધ નથી

  • અનિવાર્ય સેવા સાથે જોડાયેલા લોકોને પાસ અપાશે

  • મોલ, જીમ, સ્પા, ઓડિટોરિયમ બંધ રહેશે

  • લગ્નમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી

  • દિલ્લીમાં મેટ્રો સેવા ચાલું રહેશે પણ પાસ અનિવાર્ય રહેશે

  • શાકભાજી, ફળ અને દૂધ, દવાની દુકાનો ખુલ્લી રહેશે

  • બિન જરૂરી બહાર નીકળનારને દંડ ફટકારાશે

  • રાજધાનીમાં વધતા જતાં સંક્રમણ મુદ્દે લોકોને જાગૃત કરાશે


દિલ્લીમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચે જઇ રહ્યો છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યાં છે તો ઓક્સિજનની પણ કમી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં સીએમ કેજરીવાલે મદદ માટે કેન્દ્રને પત્ર લખ્યો છે.  દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 25,462 લોકો સંક્રમિત થયા છે. તો 161 કોરોના સંક્રમિતોના મોત થયા છે. જેના પગલે કેજરીવાલ સરકારે આજથી આગામી સોમવારની વહેલી સવાર 5 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કર્યું છે. દિલ્લીમાં સંક્રમણ 30 ટકા વધ્યું છે. દિલ્લીમાં કોરોના સક્રમણના કારણે  અત્યાર સુધીમાં 12હજાર લોકોએ જિંદગી ગુમાવી છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા કેજરીવાલ સરકારે આગામી સોમવારે સુધી લોકડાઉનનો નિર્ણય કર્યો છે.