નવી દિલ્લીઃ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમે આ અગાઉ ગુજરાત હાઇકોર્ટે આપેલો વચગાળાનો સ્ટે યથાવત રાખ્યો હતો. ત્યારે આજની સુનાવણી પર સૌની નજર છે. રાજ્યમાં સવર્ણો માટે 10 ટકા અનામત મુદ્દે થનારી સુનાવણીમાં હાઇકોર્ટના હુકમ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. રાજ્યમાં ફાટી નીકળેલાં પાટીદાર આંદોલનને શાંત પાડવાના આશયથી સરકારે રાજ્યમાં ઈબીસીના ધોરણે 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. અને એક વટહુકમ બહાર પાડીને ૧લી મે ૨૦૧૬થી ઈબીસી અનામત લાગુ કરી હતી. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. જોકે, બાદમાં આ મુદ્દે હાઈકોર્ટે આ પ્રકારની અનામતને ગેરવ્યાજબી ઠેરવીને રદ્દ કરી હતી. જેની સામે સુપ્રીમ કોર્ટમાં આ અપીલ થઇ છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં આર્થિક આધાર પર અનામત આપી શકાય કે નહિ તે અંગે સુપ્રીમ કોર્ટનો શું મત રહે છે તે પણ ઘણું મહત્વનું રહેશે।