પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જે 'દાદા' તરીકે પણ ઓળખાય છે. તેઓ એક મહાન ભારતીય સમાજ સુધારક, વિચારક અને આધ્યાત્મિક નેતા હતા. આજે તેમની 104મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 19 ઓક્ટોબર 1920ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં થયો હતો. તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન માનવતા અને સમાજને નવી દિશા આપવા માટે કામ કર્યું અને "સ્વાધ્યાય ચળવળ" ની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ્ય વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે આત્મનિરીક્ષણ અને આધ્યાત્મિકતાનો વધારો કરવાનો  હતો.


પાંડુરંગશાસ્ત્રી આઠવલેના જન્મદિવસને 'મનુષ્ય ગૌરવ દિન' તરીકે ઉજવવામાં આવે છે. પરંપરાગત શિક્ષણની સાથે, પાંડુરંગ શાસ્ત્રીએ સરસ્વતી સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત વ્યાકરણની સાથે ન્યાય, વેદાંત, સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. રોયલ એશિયાટિક સોસાયટી મુંબઈ દ્વારા તેમને માનદ સભ્યની પદવી એનાયત કરવામાં આવી હતી.


પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ હિંદુ ધર્મના શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેનો ઉપયોગ કર્યો. તેઓ માનતા હતા કે, દરેક વ્યક્તિની અંદર ભગવાન વસે છે અને જો આપણે આપણી અંદર રહેલા દિવ્યતાને ઓળખીએ તો સમાજમાં સંવાદિતા અને સહકારનું વાતાવરણ સર્જી શકાય છે. તેમણે 'યોગેશ્વર કૃષ્ણ'ના ઉપદેશોનો પ્રચાર કર્યો અને તેમના અનુયાયીઓને આત્મ-ચિંતન, આત્મ-નિયંત્રણ અને સમાજ સેવાના માર્ગને અનુસરવા પ્રેરણા આપી.


સ્વાધ્યાય ચળવળના પિતા


પાંડુરંગ શાસ્ત્રીએ સ્વાધ્યાય ચળવળ દ્વારા લાખો લોકોને જીવન પ્રત્યે એક નવો દૃષ્ટિકોણ આપ્યો અને જ્ઞાતિવાદ, આર્થિક અસમાનતા અને ધાર્મિક વિભાજન જેવા સામાજિક દુષણો સામે લડ્યા. તેમની ચળવળ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, ખાસ કરીને એવા દેશોમાં જ્યાં ભારતીય પ્રવાસીઓ  રહે છે.                   


ઘણા પુરસ્કારો મેળવ્યા


પાંડુરંગ શાસ્ત્રી આઠવલેને તેમના કાર્યો માટે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 1988માં મહાત્મા ગાંધી એવોર્ડ, 1997માં ટેમ્પલટન એવોર્ડ અને 1999માં રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો.


પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનું યોગદાન માત્ર ભારતીય સમાજ માટે અનન્ય નથી, પરંતુ તેમનું જીવન આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. 25 ઓક્ટોબર 2003ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમના વિચારો અને કાર્યો આજે પણ લાખો લોકોના હૃદયમાં જીવંત છે.