નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ લડી રહેલા દેશવાસીઓ માટે કેન્દ્ર સરકારે ગુરુવારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે લોકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત થનારા ગરીબ, ખેડૂતો, ગરીબ મહિલા અને સીનિયર સિટીઝનને રાહત આપતા વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.70 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. સરકારના આ પગલાનું કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમર્થન કર્યું છે.



રાહુલ ગાંધીએ એક  ટ્વિટમાં લખ્યું કે- કેન્દ્રએ આજે આર્થિક સહાયતા પેકેજની જાહેરાત કરી જે યોગ્ય દિશામાં પ્રથમ પગલું છે. તેમણે કહ્યું કે લોકડાઉનના કારણે ભારતના ખેડૂતો, રોજ મજૂરી કરીને કમાનારા શ્રમિક , મહિલાઓ અને વૃદ્ધ જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેમની મદદ અવશ્ય કરવી જોઇએ.

નોંધનીય છે કે એક દિવસ અગાઉ બુધવારે રાહુલ ગાંધીએ સરકારની સમક્ષ બે સુચનો રજૂ કર્યા હતા અને કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટેની રણનીતિ જણાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે આપણો દેશ કોરોના વાયરસ વિરુદ્ધ લડી રહ્યો છે. આજે સવાલ એ છે કે આપણે એવું તો શું કરીએ કે ઓછામાં ઓછા લોકોના મોત થાય. સ્થિતિને  નિયંત્રણમાં કરવા માટે સરકારની મોટી જવાબદારી છે.