નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતમાં ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. ત્રણ વર્ષ પહેલા ઘોઘા-દહેજ રૂટની વડાપ્રધાને શરૂઆત કરાવી હતી જે ટેક્નિકલ બાબતોના કારણે ટુકજ સમયમાં ઠપ્પ થઇ ગઈ હતી. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આવતી કાલે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. 24 કલાકમાં જ 3800 યાત્રી અને 1700 વાહનોનું બુકિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ આજે સાંજે ટ્વિટ કર્યું હતું.


પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, કાલે ગુજરાત માટે ખૂબ મહત્વનો દિવસ છે. સુરત અને સૌરાષ્ટ્ર જળમાર્ગ સાથે જોડાવા જઈ રહ્યા છે. હું સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હજીરાથી ઘોઘા વચ્ચેની રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદઘાટન કરીશ. આનાથી સમય અને ઇંધણની બચત થશે, જ્યારે વેપાર અને ઉદ્યોગમાં વધુ વેગ મળશે.



કંપનીએ બુકિંગ શરૂ કર્યાના 24 કલાકમાં જ 3800 પેસેન્જરે બુકિંગ કરાવ્યું છે. એ સાથે 800 કાર, 400 બાઇક અને 500 ગુડ્ઝ ટ્રકનું બુકિંગ થઈ ગયું છે. ઉપરાંત 12 હજાર ઇન્કવાયરી પણ મળી છે, એવું કંપનીના સીઇઓએ જણાયું હતું.

સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટરસાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલાં સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માગી લેનારું હતું. આમ, આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.