અમદાવાદઃ રેલ્વે દ્વારા મંગળવારથી કેટલીક ખાસ પેસેન્જર ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે મુસાફરો માટે ઉપડનારી આ વિશેષ ટ્રેન અંગે અપાયેલી એક સૂચનાના આધારે ગૂંચવાડો સર્જાવાની શક્યતા છે.

રેલ્વે દ્વારા જેમણે બુકિંગ કરાવ્યું છે તેમને સૂચના આપવામાં આવી છે કે, મુસાફરોએ પોતાનાં વાહન લઇને રેલવે સ્ટેશન આવવાનું રહેશે અને ઘરેથી રેલ્વે સ્ટેશને આવતી વખતે ઓનલાઈન બુકીંગ કરાવેલી ટિકિટ પોલીસને બતાવવાની રહેશે. વિશેષ ટ્રેનની ઓનલાઇન ટીકીટ બતાવ્યા બાદ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં અને જવા દેવામાં આવશે. જે પ્રવાસીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને મોબાઈલ પર ઇ-ટિકિટ મોકલવામાં આવી છે.

આ સૂચનાના કારણે પ્રવાસીઓ ગૂંચવાયા છે કેમ કે પ્રવાસીઓ પોતાનું વાહન લઈને રેલ્વે સ્ટેશને આવે પછી એ વાહનનું શું કરવું એ પ્રશ્ન છે. હાલમાં ટુ વ્હીલર પર એક જ વ્યક્તિને આવવાની મંજૂરી છે એ સંજોગોમાં ફરજિયાતપણે વાહન સ્ટેશન પર મૂકવાનું રહે. મુસાફરી કરનાર ટ્રેનમાં જતા રહે પછી વાહનને ક્યાં રાખવું કે તેનું શું થશે એ સવાલ સૌને સતાવી રહ્યો છે. એ જ રીતે ફોર વ્હીલરમાં બે વ્યક્તિને આવવાની છૂટ છે પણ પ્રવાસીને મૂકીને પાછી જતી વ્યક્તિ પાસે ટિકિટ ના હોય તો તેની સામે પોલીસ કેસ કરે કે નહીં એ પણ સવાલ છે.