રાજધાની દિલ્લીની સરહદ પર કેંદ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 59મો દિવસ છે. આ ખેડૂતો 26 જાન્યુઆરીના દિવસે દિલ્લીમાં ટ્રેક્ટર માર્ચનું અગાઉ એલાન કરી ચૂક્યા છે. ત્યારે ગઈકાલે આંદોલનકારી ખેડૂતોએ એક શખ્સને મીડિયા સમક્ષ રજૂ કરી દાવો કર્યો કે, આ શખ્સ ટ્રેક્ટર માર્ચ દરમિયાન હિંસા કરવાની ફિરાકમાં હતો. સાથે જ ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાનું ષડયંત્ર પણ કર્યુ હતુ.
નોંધનીય છે કે, કૃષિ કાયદા રદ કરવાની માગ સાથે ખેડૂતોનું દિલ્લી બોર્ડર પર છેલ્લા 58 દિવસથી આંદોલન યથાવત છે. તો બીજી તરફ દિલ્લીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે 11માં તબક્કાની વાતચીત અનિર્ણાયક રહી છે. .બેઠક હવે ક્યારે મળશે તે તારીખ પણ હાલ નક્કી નથી.
બેઠક દરમિયાન કૃષિમંત્રી તોમરે કહ્યું કે, 11માં તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ચૂકી છે પણ કોઈ નિર્ણય થઈ શક્યો નથી. તેમણે કહ્યું, સરકાર તરફથી સૌથી સારો પ્રસ્તાવ આપવામા આવ્યો છે અને ખેડૂતો તેના પર વિચાર કરે. તો બેઠક બાદ કિસાન નેતાઓ કહ્યું કે અમે કાયદો રદ કરવાની માગ પર અડગ છીએ અને આંદોલન યથાવત રહેશે.