નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ઉદભવેલું 'એમ્ફાન' વાવાઝોડું ભારતના કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. ભારતના દરિયાકાંઠાના આઠ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકાબોરમાં સૌથી વધારે અસર થશે.

ભુવનેશ્વરના હવામાન વિભાગના ડાયરેક્ટર એચ.આર.વિશ્વાસે કહ્યું, બુધવાર, 20 મેના રોજ બપોરથી સાંજ વચ્ચે એમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી બાંગ્લાદેશના હાથી ટાપુ વચ્ચે ત્રાટકવાની આશંકા છે. જેના કારણે ઓડિશામાં ભારે વરસાદ થશે. વાવાઝોડાના પ્રભાવથી 19મેથી રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસા પડી શકે છે.



લોકમતના આર્ટિકલ પ્રમાણે બંગાળની ખાડીમાં ઉદભવેલા પ્રેશરના કારણે સુરતથી શ્રમિકોને લઈ ઓડિશા જઈ રહેલી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. વેસ્ટર્ન રેલવેએ ઓડિશા તરફ જતી ટ્રેન વાવાઝોડાની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યા સુધી ઓડિશા તરફથી ટ્રેન નહીં ચલાવવાનો નિર્ણય લીધો છે.

જોખમી બની રહેલા એમ્ફાન વાવાઝોડા સામે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની 17થી વધુ ટીમો નિયુક્ત કરાઈ છે. તેમજ તોફાનના જોખમને ધ્યાનમાં રાખતા બંને રાજ્યોમાં 11 લાખથી વધુ લોકોના સલામત સ્થળે સ્થળાંતરની તૈયારી કરી લેવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, હાલ દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે તેથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના વાતાવરણ પલટો આવી શકે છે.

આગામી 48 કલાકમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો પર એમ્ફાનની અસર જોવા મળી શકે છે. ઓડિશાના વિશેષ રાહત કમિશ્નર પી.કે. જેનાએ જણાવ્યું, રાજ્યમાં દરિયાકાંઠાના 12 જિલ્લામાં 809 સાઈક્લોન આશ્રયસ્થાન બનાવાયા છે.