નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે દેશમાં રોજ કોરોનાના નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યા છે અને હજારોના મોત થઈ રહ્યા છે. ભારતમાં કોરોનાને કારણે બગડતી સ્થિતિને જોતા અમેરિકાની સરકારે મોટો નિર્ણય કર્યો છે. મેરિકાએ 4 મેથી ભારતીયને અમેરિકાના પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વ્હાઈટ હાઉસે શુક્રવારે એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે.


વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકી (Jen Psaki)એ નિવેદનમાં કહ્યું કે, “રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોની સલાહ પર પ્રશાસને ભારતથી યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં કરોનાના વધતા કેસ અને સંક્રમણના અનેક વેરિયન્ટના પ્રસારને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”


આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે પણ વ્યક્તિએ છેલ્લા 14 દિવસમાં ભારતની મુસાફરી કરી હશે તેને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે. જો બિડેનના કહેવા પ્રમાણે અમેરિકી લોકોની ભલાઈને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પણ વ્યક્તિ દેશની નાગરિક નથી પરંતુ છેલ્લા 14 દિવસમાં ભારતની મુસાફરી કરીને આવી છે તેને અમેરિકામાં એન્ટ્રી નહીં મળે.


જો કે અમેરિકાના આ નિર્ણયમાં કેટલાક લોકોને રાહત પણ આપવામાં આવી છે. જે અમેરિકી નાગરિક પાસે ગ્રીન કાર્ડ હશે, તેમની પત્ની અને 21 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને આ પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવશે.


નોંધનીય છે કે, શુક્રવારે સવારે અમેરિકાથી મદદ લઈને વિમાન દિલ્હી ઉતર્યુ હતું. 400 ઓક્સિજન સિલેન્ડર્સ, લગભગ 10 લાખ કોરોના ટેસ્ટ કિટ અને અન્ય ઉપકરણોને લઈને અમેરિકાથી વિમાન ઈન્ટરનેશનલ એરપોર્ટસ પર પહોંચ્યું હતું. અમેરિકન એમ્બેસીએ આની જાણકારી આપી હતી. અમેરિકન એમ્બેસી તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં લખ્યુ છે અમેરિકા તરફથી કોરોનાની રાહત લઇને પહેલુ વિમાન ભારત પહોંચી ગયુ છે. ગત 70 વર્ષોની દોસ્તીમાં અમેરિકા હંમેશા ભારતની સાથે રહ્યુ છે. કોરોના સંકટમાં અમે સાથે છીએ. આ સાથે #USIndiaDosti પણ લખવામાં આવ્યુ છે.


અમેરિકન અધિકારીઓએ કહ્યુ કે આવનારા દિવસોમાં અમેરિકન કંપનીઓ અને લોકો તરફથી ડોનેટ કરવામાં આવેલા ઉપકરણોને લઈને વિમાન આવશે. આ અઠવાડિયામાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને કોરોનાની જંગમાં ભારતને સમર્થનનું એલાન કર્યુ હતું.