ચેન્નાઈઃ ભારતમાં કોરોનાની સૌથી લાંબી સારવાર લેનારા મધ્યપ્રદેશના રીવાના ધર્મજય સિંહનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં આઠ મહિનાથી વધુની સારવાર છતાં મધ્યપ્રદેશના રીવાના 50 વર્ષીય ખેડૂત ધર્મજય સિંહને બચાવી નહોતા શકાયા. લગભગ 254 દિવસની સારવાર પછી ધર્મજયસિંહનું કરૂણ નિધન થતાં પરિવારમાં શોકની લાગણી છે.
ધર્મજય સિંહનું સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતીમાં વિશિષ્ટ યોગદાન બદલ સન્માન કરાયું હતું, કોરોના કાળમાં લોકોની સેવા કરતાં તે સંક્રમિત થયા હતા.
ધર્મજયસિંહની સારવાર માટે લંડનના ડોક્ટરને બોલાવાયા હતા. તેમની સારવારમાં દરરોજ લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. પરિવારના મોભીની સારવાર માટે પરિવારે 50 એકર જમીન પણ વેચી નાખી હતી. . તેમની સારવાર પાછળ લગભગ 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો છતા તેમને બચાવી શકાયા નથી.
ધર્મજય સિંહનો એપ્રિલ 2021માં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી તે સારવાર હેઠળ જ હતા. પોઝિટિવ થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ધર્મજય સિંહચાર દિવસ પછી કોરોના સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા હતા પણ ફેફસાંમાં લાગેલા સંક્રમણને કારણે હોસ્પિટલમાં રખાયા હતા.
એક અઠવાડિયાં પહેલાં અચાનક ધર્મજયનું બ્લડપ્રેશર ઘટી જતાં તેમને આઈસીયુમાં રખાયા હતા. આઈસીયુમાં બ્રેન હેમરેજ થઈ જતાં તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા પણ તબિયતમાં કોઈ જ સુધારો ન થતાં 18 મે, 2021ના રોજ એર એમ્બ્યુલન્સથી ચેન્નઇ એપોલો હોસ્પિટવ લઈ જવામાં આવ્યા હતા.
ધર્મજય સિંહનાં ફેફસાં 100% સુધી સંક્રમિત થઈ ગયાં હતાં. ધર્મજયસિંહને એક્મો મશીન પર રાખવામાં આવ્યા હતા. ફેફસાંમાં સંક્રમણને કારણે એક્મો મશીનની મદદથી તેમને નવું જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને લંડનના ડોકટર મોનિટરિંગ કરી રહ્યા હતા છતાં મોત સામે તે હારી ગયાં છે.
ધર્મજય સિંહ મઉગંજના રકરી ગામમાં રહેતા હતા. 30 એપ્રિલ 2021ના રોજ તાવ આવતાં તેમનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. 2 મેના રોજ રિપોર્ટમાં તેઓ કોરોના પોઝિટિવ થયા હતા.