Tripura : ત્રિપુરાના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. અહીં ભાજપે વર્તમાન સીએમ બિપ્લબ દેવને હટાવવાનો નિર્ણય લીધો છે. જે બાદ બિપ્લબ દેવે પણ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. તેમના સ્થાને હવે નવા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવશે. જણાવી દઈએ કે આ પહેલા સીએમ દેવે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.


રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેવે કહ્યું કે, મારા માટે પાર્ટી સૌથી ઉપર છે. સંગઠનના હિતમાં મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. પાર્ટી જે પણ જવાબદારી આપશે તે હું નિભાવીશ. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમણે પીએમ મોદી સાથે પણ વાત કરી છે.


એવું કહેવામાં આવ્યું છે કે ભાજપે સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. જેના માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પાર્ટીના જનરલ સેક્રેટરી વિનોદ તાવડેને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બંને અગરતલા પહોંચી ગયા છે. આ બેઠકમાં પાર્ટી નવા મુખ્યમંત્રીની પસંદગી કરી શકે છે.


હવે ત્રિપુરામાં કોણ બનશે મુખ્યપ્રધાન ?


બિપ્લબ દેવે મુખ્યપ્રધાનપદેથી રાજીનામુ આપ્યા બાદ હવે સૌ કોઈ જાણવા માંગે છે કે ત્રિપુરાના નવા મુખ્યપ્રધાન કોણ હશે? સૂત્રોના જણાવ્યા મુજબ નવા મુખ્યપ્રધાન તરીકે માણિક સાહાનું નામ ચર્ચાઈ રહ્યું છે. માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ છે. આ સાથે કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકના નામની પણ ચર્ચા થઇ રહી છે. પ્રતિમા ભૌમિક કેન્દ્ર સરકારમાં સામાજિક ન્યાય અને આધિકારીતા વિભાગના રાજ્યમંત્રી છે. 



ભાજપના ચોથા મુખ્યપ્રધાન બદલાયા 
કર્ણાટક, ગુજરાત અને ઉત્તરાખંડ બાદ ત્રિપુરા ચોથું એવું રાજ્ય છે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યપ્રધાન બદલ્યા છે. કર્ણાટકમાં બસવરાજ બોમ્માઈને મુખ્યપ્રધાન બનાવાયા, ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ, ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી અને હવે ત્રિપુરામાં નવા સીએમ આવશે.